હિન્દુ ધર્મમાં દરેક દિવસ ખાસ મહત્વ ધરાવે છે. દરેક દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત કરવામાં આવ્યો છે. એ જ રીતે સોમવારનો દિવસ ભોળાનાથને સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સાથે જ કેટલાક લોકો આ દિવસે વ્રત પણ કરતા હોય છે. એવી માન્યતા પ્રચલિત છે કે સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની દરેક મનોકામનાની પૂર્તિ કરે છે.
તો, આ દિવસે કેટલાંક ખાસ ઉપાયો અજમાવીને વ્યક્તિ તેની વિવિધ સમસ્યાઓથી મુક્તિ પણ મેળવી શકે છે. આ એ પ્રયોગો છે કે જેના લીધે સોમવાર મનોવાંચ્છિત ફળ પ્રદાન કરતો શુભવાર બની જાય છે ! તો ચાલો, આજે આપણે પણ સોમવાર સાથે જોડાયેલા કેટલાંક આવા જ ઉપાયો વિશે જાણીએ.
દાંપત્ય જીવનમાં મધુરતા અર્થે
જો દાંપત્ય જીવનમાં સમસ્યા આવી રહી હોય, પતિ-પત્ની વચ્ચે કલેશ ચાલી રહ્યો હોય અથવા તો લગ્ન આડે અવરોધો ઊભા થઈ રહ્યા હોય તો સોમવારે સવારે એક ખાસ ઉપાય અજમાવો. સોમવારે સવારે કોઈ શિવાલયમાં જઈને શિવજીને ગૌરી શંકર રુદ્રાક્ષ અર્પણ કરી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વિવાહ આડે આવી રહેલા તમામ વિઘ્નો ટળી જાય છે. અને વ્યક્તિના દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે.
આર્થિક સંકટથી મુક્તિ અર્થે
જો આપના ઘરમાં સતત ધનની અછત રહેતી હોય કે ઘરમાં આવેલું ધન ટકતું ન હોય તો સોમવારે શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ અર્પણ કરવું જોઈએ. સાથે જ સોમવારના દિવસે રુદ્રાક્ષની માળાથી “ૐ સોમેશ્વરાય નમઃ” મંત્રનો લગભગ 108 વખત જાપ કરવો જોઈએ. પ્રચલિત માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં પ્રગતિના દ્વાર ખુલી જાય છે.
ગ્રહદોષથી મુક્તિ અર્થે
જો વ્યક્તિની કુંડળીમાં કોઇ ગ્રહદોષ હોય તો તેમાંથી મુક્તિ અર્થે સોમવારના દિવસે શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય સતત 7 સોમવાર સુધી કરવાથી ગ્રહદોષની અસર ઓછી થવા લાગે છે. અને વ્યક્તિનો ભાગ્યોદય થાય છે.
પિતૃદોષ દૂર કરવા
સોમવારે સાંજે કાચા ચોખામાં કાળા તલ ઉમેરીને તેનું દાન કરવું જોઈએ. કહેવાય છે કે આ ઉપાય કરવાથી પિતૃદોષનો પ્રભાવ દૂર થાય છે. સાથે જ વ્યક્તિની આર્થિક તંગી પણ દૂર થઈ જાય છે.
ચંદ્રદોષનો પ્રભાવ દૂર કરવા
સોમનો અર્થ થાય છે ચંદ્ર. તે જ દૃષ્ટિએ સોમવાર એ ચંદ્રદેવને પણ સમર્પિત વાર મનાય છે. જે લોકો ચંદ્રદોષથી પીડિત છે, તેમણે સોમવારના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરીને શિવજીની પૂજા કરવી જોઇએ. સાથે જ મસ્તક પર ચંદનનું તિલક લગાવીને જ ઘરેથી બહાર નીકળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલ ચંદ્રદોષનો પ્રભાવ ઓછો થાય છે તેમજ તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)