દેવભૂમિ તરીકે ખ્યાત ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી ધામ આવેલું છે. માન્યતા અનુસાર એ ગંગોત્રી જ છે કે જ્યાં ગંગાએ ધરતીનો પ્રથમવાર સ્પર્શ કર્યો ! ગંગોત્રી એ ઉત્તરાખંડના ચાર ધામમાંથી એક છે. ઉલ્લેખનીય છે કે નાના ચાર ધામમાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારધામ અને બદરીધામનો સમાવેશ થાય છે.
સર્વ પ્રથમ યમુનોત્રીના દર્શન બાદ ગંગોત્રીના જ દર્શનનો મહિમા છે. હરિદ્વારથી ગંગોત્રી લગભગ 272 કિલોમીટરના અંતરે સ્થિત છે. પરંતુ, ચારધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ યમુનોત્રી દર્શન બાદ ઉત્તરકાશી પહોંચે છે. અને ઉત્તરકાશીથી 100 કિલોમીટરના અંતરે આવેલ ગંગોત્રીધામની યાત્રા માટે પ્રયાણ કરે છે.
તીર્થયાત્રીઓ માટે સૌથી સારી વાત એ છે કે ગંગોત્રીધામ સુધી પૂર્ણપણે પાક્કા રસ્તાનું નિર્માણ થયેલું છે. અને એટલે નાના-મોટા કોઈપણ વાહન દ્વારા સરળતાથી ગંગોત્રીધામ સુધી પહોંચી શકાય છે. ભાવિકો પ્રકૃતિના લખલૂંટ સૌંદર્યનો આનંદ માણતા ગંગોત્રીધામ તરફ આગળ વધતા રહે છે. આ ગંગોત્રીની આભા જ કંઈક એવી છે કે અહીં પહોંચતા જ મનના બધાં જ ઉચાટ શાંત થઈ જાય છે. અહીં ગર્ભગૃહમાં મા ગંગાની અત્યંત મનોહારી પ્રતિમા વિદ્યમાન કરાઈ છે. જો કે, અહીં મૂર્તિ દર્શન પહેલાં ગંગાપૂજનનો મહિમા છે. દેવી ગંગા અહીં ભાગીરથીના નામે પૂજાય છે.
ગંગોત્રી ધામ એ સમુદ્રની સપાટીથી 3,140 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. માન્યતા અનુસાર આ જ સ્થાન પર શિવજીએ સ્વર્ગમાંથી ઉતરેલા ગંગાને તેમની જટામાં ઝીલ્યા હતા ! પૃથ્વી પર ગંગા સર્વ પ્રથમ આ જ ભૂમિ પર ઉતરી ! અને ગંગા ‘ઉતરી’, એટલે આ સ્થાન કહેવાયું ‘ગંગોત્રી’ ! મા ગંગાના અવતરણની સાક્ષી રહી હોઈ આ ભૂમિ પર સર્વ પ્રથમ મા ગંગાના પ્રત્યક્ષ રૂપના દર્શનનો જ મહિમા છે. ભક્તો સર્વ પ્રથમ ‘ભાગીરથી’ની પૂજા કરે છે. તેના પવિત્ર નીરમાં સ્નાન કરે છે. અને ત્યારબાદ મંદિરમાં વિદ્યમાન પ્રતિમાના દર્શન કરે છે.
અહીં શ્વેત મંદિરમાં માતા ગંગાની અત્યંત મનોહારી પ્રતિમાનું સ્થાપન થયું છે. સુવર્ણમાંથી નિર્મિત માનું આ સ્વરૂપ એટલું તો સુંદર ભાસે છે કે માના મુખારવિંદ પરથી નજરો હટવાનું નામ જ ન લે. તો, અહીં મા ગંગાના દર્શન જેટલો જ મહિમા તો રાજા ભગીરથની તપઃસ્થલીના દર્શનનો પણ છે. આ સ્થાન એટલે ભગીરથ શિલા. પ્રચલિત માન્યતા અનુસાર ગંગોત્રીના શ્રીમુખ પર્વત પર આવેલી આ જ શિલા પર પગના એક અંગૂઢા પર ઉભા રહીને રાજા ભગીરથે 5,500 વર્ષ સુધી તપસ્યા કરી હતી. અને તેના ફળ રૂપે જ મા ગંગાનું ધરતી પર અવતરણ શક્ય બન્યું. રાજા ભગીરથના મહાન તપની સાક્ષી હોઈ ગંગોત્રીની યાત્રા આ શિલાના દર્શન વિના અપૂર્ણ જ મનાય છે !
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)