fbpx
Wednesday, October 30, 2024

શિવજીને ચઢાવેલો ધતુરો રાહુદોષથી મુક્તિ અપાવશે! જાણો કેમ શિવજીને ચઢાવવામાં આવે છે ધતુરા

દેવાધિદેવ મહાદેવને બીલીપત્ર અર્પણ કરવાનો સવિશેષ મહિમા છે. પણ, આ બીલીપત્રની જેમ જ ધતૂરાનું ફળ અને ધતૂરાનું ફૂલ પણ શિવજીને અત્યંત પ્રિય છે. ધતૂરો આમ તો એક જંગલી અને ઝેરી વનસ્પતિ છે. ત્યારે એ પ્રશ્ન થવો સ્વભાવિક છે, ભોળાશંભુને આવી ઝેરી વસ્તુ શા માટે અર્પણ કરવામાં આવે છે ? આવો, આજે આપણે આ સવાલનો જવાબ મેળવીએ. સાથે જ એ જાણીએ કે કયા મંત્ર સાથે શિવજીને ધતૂરાનું ફળ કે પુષ્પ અર્પણ કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થશે, અને તેના દ્વારા કેવાં-કેવા ફળની પ્રાપ્તિ થશે ?

કેમ અર્પણ થાય છે ધતૂરો ?

તંત્ર સાધનામાં ધતૂરાનું એક આગવું જ મહત્વ છે. સમુદ્ર મંથનની કથા તો સૌ કોઈ જાણે જ છે. અમૃતની આશાએ દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. પરંતુ, આ મંથનમાંથી સર્વ પ્રથમ તો કાલકૂટ નામનું ભયંકર વિષ નીકળ્યું. સમસ્ત વિશ્વની રક્ષાર્થે શિવજી તે હળાહળનું પાન કરી, તેને પોતાના ગળામાં ધારણ કરી લીધું. દંતકથા એવી છે કે આ હળાહળને લીધે શિવજીને ગળામાં બળતરા થતી રહે છે, અને તેને શાંત કરવા જ પ્રભુને દૂધ જેવો ઠંડો પદાર્થ અર્પણ કરવામાં આવે છે. એ જ રીતે વિષનું મારણ વિષ મનાય છે ! સામાન્ય રીતે ધતૂરો જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તે પણ એક ઔષધીનું જ કામ કરી વિષથી રાહત અપાવે છે. એ જ રીતે આ ઔષધી શિવજીને અર્પણ કરવાથી તેમને પીડામાં રાહત મળતી હોવાની માન્યતા પ્રચલિત છે. એ જ કારણ છે કે ભોળાનાથને ધતૂરો અર્પણ કરવામાં આવે છે. કહે છે કે ધતૂરો શિવજીને અર્પણ કરવાથી દેવાધિદેવ તો પ્રસન્ન થાય જ છે અને ભક્ત પર કૃપાની વૃષ્ટિ કરે છે. તે સાથે જ વ્યક્તિને શનિદોષ અને રાહુદોષમાંથી પણ મુક્તિ મળી જાય છે. તે વિશે વિગતે જાણીએ.

ધતૂરો અને રાહુદોષ

ધતૂરાને રાહુનો કારક માનવામાં આવે છે. માન્યતા અનુસાર દેવાધિદેવ મહાદેવને ધતૂરો અર્પણ કરવાથી રાહુ સંબંધી દોષ એટલે કે કાલસર્પ દોષ અને પિતૃદોષનું શમન થાય છે.

ધતૂરો અને શનિદોષ

આમ તો સોમવારના રોજ શિવપૂજાનો વિશેષ મહિમા છે. પણ, કહે છે કે શનિવારના રોજ શિવજીને ધતૂરાનું પુષ્પ કે ધતૂરાનું ફળ અર્પણ કરવામાં આવે તો સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. કારણ કે શનિવારના રોજ શિવજીને આ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિની શનિ સંબંધી પીડાઓનો દૂર થઈ જાય છે.

ધતૂરો અને શ્યામા તુલસી

પિતૃદોષની શાંતિ અર્થે કાળા રંગના ધતૂરાને શ્યામા તુલસીની સાથે વાવીને તેને નિત્ય જળ અર્પણ કરવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય અજમાવવાથી પિતૃદોષ તો દૂર થાય જ છે. સાથે જ, વ્યક્તિને આર્થિક લાભની પણ પ્રાપ્તિ થાય છે.

  • ધતૂરાનું ફળ અર્પણ કરતા બોલવાનો મંત્ર

“ૐ સામ્બ શિવાય નમઃ ધતૂરા ફલ સમર્પયામિ ।”

  • ધતૂરાનું ફૂલ અર્પણ કરતા બોલવાનો મંત્ર

“ૐ સામ્બ શિવાય નમઃ ધતૂરા પુષ્પમ્ સમર્પયામિ ।”

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles