હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ એ ભગવાન શિવ એટલે કે ભોળાનાથને સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસે ભગવાન શિવની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવની પૂજા કરવાથી માતા પાર્વતીની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. આ દિવસે સ્ત્રીઓ વ્રત પણ રાખે છે અને પોતાની મનોકામનાની પૂર્તિના આશિષ માંગે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે વિશેષ ઉપાયો કરવાથી ભગવાન શિવની કૃપા આપની પર અવિરત વરસતી રહે છે. સાથે જ આપના ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. આપની પ્રગતિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
માન્યતા અનુસાર જો સોમવારના દિવસે તમે વિધિ વિધાન સાથે ભગવાન શિવજીની પૂજા કરો છો, તો તે પ્રસન્ન થઇને આપની પર અવિરત કૃપા વરસાવે છે. જો તમે સુખ-સમૃદ્ધિની કામના રાખતા હોવ, તો સોમવારે શિવપૂજાની સાથે કેટલાંક સરળ ઉપાયો જરૂરથી અજમાવવા જોઈએ. આ એ ઉપાયો છે કે જે અવશ્યપણે આપની મનોકામનાઓની પૂર્તિ કરી દેશે. આવો, તે વિશે વિગતે જાણીએ.
શિવ રક્ષા સ્તોત્ર
જો આપના જીવનમાં ધન સંબંધિત આર્થિક સંકટ ચાલી રહ્યું હોય, તો સોમવારના દિવસે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો આપના માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
પૂજન સામગ્રી
ભગવાન શિવને પૂજામાં ચંદન, બીલીપત્ર, ધતૂરો અને ગંગાજળ જરૂરથી અર્પણ કરવા જોઇએ. માન્યતા અનુસાર તેનાથી ભગવાન શિવ તુરંત જ પ્રસન્ન થઇને ભક્ત પર કૃપા વરસાવે છે.
વસ્ત્રનો રંગ
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે સફેદ, લીલા, લાલ, પીળા કે આસમાની રંગના વસ્ત્ર ધારણ કરીને પૂજા પાઠ કરવા જોઈએ. કહે છે કે તેનાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.
અખંડ અક્ષત
પૂજામાં ભગવાન શિવને અખંડ અક્ષત અર્પણ કરવા જોઇએ. અખંડ અક્ષત અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવનારા મનાય છે. એટલે, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઇપણ અક્ષત ખંડિત ન હોય.
પિતૃદોષથી મુક્તિ
કેટલીક વાર પિતૃદોષના પ્રભાવથી પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજોગોમાં સોમવારની સાંજે કાચા અક્ષતમાં કાળા તલ ઉમેરીને તેનું દાન કરવું જોઇએ. આ ઉપાય કરવાથી આપને આર્થિક તંગીથી છુટકારો મળે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)