જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય તો મંગળવારે વ્રત કરીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તેનાથી હનુમાનજીની કૃપા વરસે છે અને મંગળના અશુભ પ્રભાવ ઓછા અથવા તો દૂર થાય છે. મંગળવારનો ઉપવાસ વ્યક્તિના જીવનમાંથી સંકટો દૂર કરે છે અને સાહસ, સન્માન, શક્તિ અને પુરુષાર્થમાં વધારો કરે છે.
જો કે, મંગળવારના ઉપવાસ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે, નહીં તો ઉપવાસનું ફળ મળતું નથી. તો ચાલો જાણીએ શું છે તે નિયમો.
મંગળવારનું વ્રત કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પહેલા મંગળવારથી શરૂ થવું જોઈએ. જો તમે કોઈ પણ ઈચ્છા માટે મંગળવારે ઉપવાસ કરવા માંગો છો તો 21 કે 45 મંગળવાર સુધી કરો. 21 કે 45 મંગળવાર સુધી ઉપવાસ કર્યા બાદ હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
મંગળવારના વ્રતની શરૂઆત સવારે સ્નાન કર્યા બાદ ઘરના ઇશાન ખૂણામાં સાફ જગ્યામાં બેસીને હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવી જોઇએ અને આ દિવસે લાલ કપડા અને હાથમાં પાણી લઇને વ્રતનો સંકલ્પ કરો.
– મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિ સામે ઘીનો દિવો પ્રગટાવો અને ફૂલ ચઢાવો. ત્યાર બાદ મંગળવાર વ્રત કથા કરો અથવા સાંભળો. હનુમાન ચાલીસા અને સુંદર કાંડનો પાઠ કરો. ભગવાનને ગોળ અને ચણાનો પ્રસાદ અર્પિત કરી આરતી કરો. વ્રતના દિવસે માત્ર એક જ વખત ભોજન કરો. તમારા આચાર વિચાર શુદ્ધ રાખો. સાંજ હનુમાનજીની સામે દિવો પ્રગટાવી આરતી કરો.
– 21 કે 45 મંગળવારે વ્રત કર્યા બાદ 22માં મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને તેમને સિંદૂર ચઢાવો. પછી 21 બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન દક્ષિણા આપો.
મંગળવારનું વ્રત કરવાથી થશે આ ફાયદા
મંગળવારના વ્રતથી હનુમાનજીના આશીર્વાદ મળે છે. આ વ્રત સન્માન, બળ અને સાહસ વધારે છે. કુશળ અને ભાગ્યશાળી સંતાન પ્રાપ્તિ માટે પણ મંગળવારનું વ્રત લાભદાયી છે. જો તમારી કુંડળીમાં મંગળ ગ્રહની દશા નબળી છે અને તમને કોઇ શુભ ફળ નથી મળી રહ્યા, તો મંગળવારનું વ્રત જરૂર કરવું જોઇએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)