પંચાંગ અનુસાર, સંકષ્ટી ચતુર્થી વ્રત દર મહિનાની કૃષ્ણ અને શુક્લપક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. આ વખતે આ તારીખ 08 મે 2023, સોમવારના રોજ આવી રહી છે. આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.
જો તમારા કામમાં કોઈ પ્રકારની અડચણ આવે તો તે પણ ગણપતિની કૃપાથી દૂર થઈ જાય છે.
આ શુભ તિથિએ ગજાનનની પૂજા કરવાથી સાધકને માત્ર ઐશ્વર્ય જ નહીં પરંતુ સુખ અને ધનની પણ પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ સંકષ્ટી ચતુર્થીની પૂજાના શુભ સમય અને ધાર્મિક મહત્વ વિશે.
સંકષ્ટી ચતુર્થીનું ધાર્મિક મહત્વ
એકદંત સંકષ્ટી ચતુર્થીનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે આ દિવસે વ્રત રાખવાનો પણ નિયમ છે. એકદંત સંકષ્ટી ચતુર્થીના ઉપવાસ કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.જો તમે સંતાન પ્રાપ્તિનું સુખ માણવા માંગતા હોવ તો પણ આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરો.
સંકષ્ટી ચતુર્થી પૂજા પદ્ધતિ
આ દિવસે તમારા હૃદય અને મનને શુદ્ધ કરીને ગણપતિની પૂજા શરૂ કરવી જોઈએ, પૂજા શરૂ કરતા પહેલા પૂજા સ્થળ અને તમારા મંદિરને સારી રીતે સાફ કરો, ત્યાર બાદ જ પૂજા શરૂ કરો. સૌ પ્રથમ હાથમાં જળ લઈને ઉપવાસની પ્રતિજ્ઞા લો. આ પછી ભગવાન ગણેશની મૂર્તિ અથવા પોસ્ટર પર હળદરનું તિલક લગાવો અને તેના પર દુર્વા, ફૂલ અને માળા ચઢાવો. જો શક્ય હોય તો પૂજા સમયે ઘીનો દીવો કરવો. અંતે, વ્રત કથા વાંચો અને ભગવાન ગણેશની આરતી કરો.
સંકષ્ટી ચતુર્થી પૂજા વિધિ
⦁ સંકષ્ટી ચતુર્થીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.
⦁ ગણેશજીની પૂજા કરીને સંકષ્ટી વ્રત કરવાનો સંકલ્પ લેવો.
⦁ સાંજના સમયે પૂજા સ્થાનની સાફ-સફાઇ કરી ત્યાં ગંગાજળનો છંટકાવ કરવો.
⦁ ભગવાન ગણેશને વસ્ત્ર અર્પણ કરો અને મંદિરમાં દીપ પ્રજવલિત કરો.
⦁ ગણેશજીને તિલક કરીને પુષ્પ અર્પણ કરવા.
⦁ ત્યારબાદ ભગવાન ગણેશને 21 દૂર્વાની ગાંઠ અર્પણ કરો.
⦁ ગણેશજીને શુદ્ધ ઘીના મોતીચૂરના લાડુ કે મોદકનો ભોગ જરૂરથી લગાવવો.
⦁ પૂજા પૂર્ણ થાય એટલે આરતી કરો અને પૂજનમાં થયેલ ભૂલ-ચૂકની ક્ષમા પ્રાર્થના કરો.
⦁ રાત્રે ચંદ્રોદય બાદ ચંદ્રના દર્શન કરવા. તેમની પૂજા કરવી અને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવું. ચંદ્ર પૂજા વિના સંકષ્ટી વ્રત અપૂર્ણ મનાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)