હિન્દુ પંચાંગ અનુસાર દરેક મહિનામાં બે ચતુર્થીની તિથિ હોય છે. એક વદ પક્ષમાં અને બીજી સુદ પક્ષમાં. વદ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી અને સુદ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આ ચોથની તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે.
માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરીને ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ આપના જીવનના તમામ વિઘ્નોનો અંત આવે છે. આ વખતે 8 મે, સોમવારના રોજ સંકષ્ટી આવી રહી છે. આ ચતુર્થી એકદંત સંકષ્ટી ચતુર્થીના નામે ઓળખાય છે. ત્યારે ચલો જાણીએ કે આ દિવસના વ્રતનું મહત્વ શું છે ? અને કઈ પૂજાવિધિથી ગજાનનની મહાકૃપાની પ્રાપ્તિ થશે.
એકદંત સંકષ્ટી ચતુર્થી 2023
એકદંત સંકષ્ટી ચતુર્થીની તિથિનો પ્રારંભ 8 મે 2023, સોમવારે સાંજે 6:18 કલાકે થશે. તેની પૂર્ણાહુતિ 9 મે, મંગળવારે સાંજે 4:08 કલાકે થશે. સંકષ્ટી વ્રતમાં ચંદ્રની પૂજાનો મહિમા છે. એટલે કે ચોથનો ચંદ્ર 8 તારીખે જ પ્રાપ્ત થઈ રહ્યો હોઈ 8 મેના રોજ જ સંકષ્ટીનું વ્રત રાખવામાં આવશે.
ચંદ્રોદયનો સમય : રાત્રે 10:08 કલાકે
સંકષ્ટી ચતુર્થી પૂજા વિધિ
⦁ સંકષ્ટી ચતુર્થીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.
⦁ ગણેશજીની પૂજા કરીને સંકષ્ટી વ્રત કરવાનો સંકલ્પ લેવો.
⦁ સાંજના સમયે પૂજા સ્થાનની સાફ-સફાઇ કરી ત્યાં ગંગાજળનો છંટકાવ કરવો.
⦁ ભગવાન ગણેશને વસ્ત્ર અર્પણ કરો અને મંદિરમાં દીપ પ્રજવલિત કરો.
⦁ ગણેશજીને તિલક કરીને પુષ્પ અર્પણ કરવા.
⦁ ત્યારબાદ ભગવાન ગણેશને 21 દૂર્વાની ગાંઠ અર્પણ કરો.
⦁ ગણેશજીને શુદ્ધ ઘીના મોતીચૂરના લાડુ કે મોદકનો ભોગ જરૂરથી લગાવવો.
⦁ પૂજા પૂર્ણ થાય એટલે આરતી કરો અને પૂજનમાં થયેલ ભૂલ-ચૂકની ક્ષમા પ્રાર્થના કરો.
⦁ રાત્રે ચંદ્રોદય બાદ ચંદ્રના દર્શન કરવા. તેમની પૂજા કરવી અને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવું. ચંદ્ર પૂજા વિના સંકષ્ટી વ્રત અપૂર્ણ મનાય છે.
સંકષ્ટી ચતુર્થીનું મહત્વ
હિન્દુ ધર્મમાં ગણેશજીને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. એવામાં સંકષ્ટી ચતુર્થીના દિવસે વ્રત કરીને પૂજા કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
ફળદાયી ગણેશ મંત્ર
ગજાનનં ભૂત ગણાદિ સેવિતં,
કપિત્થ જમ્બૂ ફલ ચારૂ ભક્ષણમ્ ।
ઉમાસુતં શોક વિનાશકારકમ્,
નમામિ વિધ્નેશ્વર પાદ પંકજમ્ ।।
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)