સંસારી જીવોની હંમેશા એ જ કામના હોય છે કે દેવી લક્ષ્મી સદૈવ તેમના ઘરમાં બિરાજમાન રહે અને તેમનું ઘર ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે. આ માટે ભાવિકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા સતત પ્રયત્ન પણ કરતા રહે છે. પણ ક્યારેક આ પ્રયત્નોથી વિરુદ્ધ જ પરિણામ જોવા મળે છે. વાસ્તવમાં આપણી કેટલીક નાની નાની ભૂલો દેવી લક્ષ્મીને નારાજ કરી દેતી હોય છે.
અને તેમની આ નારાજગીને લીધે જ આપણે આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે. કંઈક આવી ભૂલો અંગે નારદ પુરાણમાં પણ ઉલ્લેખ મળે છે. નારદ પુરાણ અનુસાર એવાં 8 કારણો છે કે જેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. આવો, તે વિશે જાણીએ.
નારદ પુરાણ મહિમા
બ્રહ્માજીના માનસ પુત્ર નારદ મુનિએ પોતાના જ્ઞાનથી અને ઋષિઓ સાથે ચર્ચા કરીને એક પુરાણની રચના કરી છે જેને નારદ પુરાણ કહેવાય છે. આ પુરાણમાં લોક-પરલોક અને જીવન મૃત્યુ સિવાય વ્રત-તહેવાર તેમજ લોકાચાર અને ગૃહસ્થ જીવનના નિયમો પણ જણાવાયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે ગૃહસ્થ ધન અને સુખની કામના રાખે છે તેમણે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કારણ કે કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જેના કારણે દેવતા અપ્રસન્ન થાય છે અને દેવી લક્ષ્મી ઘરેથી નારાજ થઇને જતા રહે છે. આવાં 8 કારણો નીચે અનુસાર છે.
દિવસે ઊંઘવું નહીં !
નારદ પુરાણમાં નારદ મુનિ સાથે વાત કરતા શૌનક ઋષિ કહે છે કે હે મનુષ્યએ દિવસ દરમ્યાન ક્યારેય પણ ન સૂવું જોઈએ. દિવસે સૂવાથી મનુષ્ય રોગી બને છે અને તેનું આયુષ્ય પણ ઓછું થાય છે. એટલું જ નહીં, આ પ્રકારના વ્યક્તિને ધનની અછતનો સામનો કરવો પડે છે !
માથું ન ખંજવાળો
પોતાનું ભલું ઇચ્છનાર વ્યક્તિએ પોતાના બંન્ને હાથથી માથાને ખંજવાળવું ન જોઇએ. તેનું કારણ એ છે કે માથું ખંજવાળ્યા બાદ શરીરને સ્પર્શ કરવું અશુભ ફળદાયી માનવામાં આવે છે. આ કાર્ય દેવી લક્ષ્મીને પણ નારાજ કરે છે.
પગ પર પગ ન ચઢાવો !
પોતાના એક પગથી બીજા પગને દબાવીને ન તો બેસવું જોઈએ કે ન તો સૂવું જોઇએ. તેનાથી આપના આયુષ્ય અને ધનની હાનિ થાય છે. પુરાણોમાં આ સંદર્ભમાં કથા કહી છે કે એક હાથી પોતાના પગ પર પગ ચઢાવીને બેઠો હતો. તેને જોઇને ભગવાન વિષ્ણુ સમજી ગયા કે હાથીનું આયુષ્ય પૂર્ણ થવાનું છે. ભગવાન સુદર્શન ચક્રથી હાથીનું મસ્તક કાપી દે છે અને હાથીનું મસ્તક ગજાનનના કપાયેલ મસ્તકના સ્થાને લગાવી દેવામાં આવે છે.
આ રીતે ન લગાવો તેલ !
ઘણાં લોકોને એવી આદત હોય છે કે તેઓ માથા પર તેલ લગાવ્યા બાદ વધેલા તેલને શરીર પર ચોળી દેતા હોય છે. પણ, નારદ પુરાણ અનુસાર આવું ક્યારેય ન કરવું જોઈએ. કહે છે કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને ધનને પણ હાનિ પહોંચે છે.
આ ભૂલ પડી શકે ભારે !
નિર્વસ્ત્ર થઇને ઊંઘવું એ નારદ પુરાણ અનુસાર અશુભદાયી માનવામાં આવે છે. કહે છે કે તેનાથી દેવતા અને પિતૃઓ બંને અપમાનિત થાય છે. તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. નિર્વસ્ત્ર થઇને સ્નાન કરવાથી પણ અશુભ ફળ પ્રાપ્ત થાય છે. શ્રીકૃષ્ણએ પોતાની લીલામાં નિર્વસ્ત્ર સ્નાનને પાપ ગણાવ્યું છે.
તમે નથી કરતાને આ કામ ?
નખ અને વાળને દાંતથી ચાવવા જોઇએ નહીં. તેનાથી શરીર અશુદ્ધ અને રોગી બને છે. માન્યતા અનુસાર દેવી લક્ષ્મી આ પ્રકારના મનુષ્યો પાસે ક્યારેય નથી રહેતા.
ડાબા હાથે અન્ન-જળ ન લો !
નારદ પુરાણ અનુસાર ડાબા હાથે પાણી ન પીવું જોઇએ. ભોજન અને પાણી બંન્નેને શાસ્ત્રો અનુસાર દેવતુલ્ય માનવામાં આવે છે. અન્નને દેવી અન્નપૂર્ણા કહેવાય છે. જ્યારે જળને વરુણ દેવતા માનવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં ભોજન અને પાણી ગ્રહણ કરવું પણ એક પ્રકારનો યજ્ઞ માનવામાં આવે છે. ડાબા હાથને અશુદ્ધ માનવામાં આવે છે. એટલે કોઇપણ શુભ કાર્ય ડાબા હાથથી ન કરવાનું વિધાન જણાવાયું છે. એ જ રીતે નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો તમે તમારું ભલુ ઇચ્છતા હોવ તો ડાબા હાથથી ક્યારેય જળ અને અન્ન ગ્રહણ ન કરવું !
બીજાના ભોજન પર ધ્યાન ન દો !
કહે છે કે બીજાના અન્ન પર વ્યક્તિએ ક્યારેય ધ્યાન ન દેવું જોઇએ. જે વ્યક્તિ આ રીતે કામ કરે છે અથવા તો ચાલાકી કે ચોરીથી ભોજન કરે છે તેના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નથી આવતી. જે વ્યક્તિ સંતોષપૂર્વક ભોજન ગ્રહણ કરે છે તેમજ ધનથી સંતુષ્ટ હોય છે તેના ઘરે સદાય માટે માતા લક્ષ્મી નિવાસ કરે છે. તેની પ્રગતિ નિશ્ચિત રૂપે થાય છે. એટલે પોતાની પાસે જે છે એમાં જ સંતોષ માનીને જીવવું જોઇએ. બીજાના અન્નનો લોભ ન રાખવો જોઇએ.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)