મૃત્યુ એક અટલ સત્ય છે. સંસારમાં જન્મ લેનાર દરેક પ્રાણીનું મૃત્યુ નિશ્ચિત છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે આ દુનિયામાં જન્મ લઇને આવે છે, તેણે એક દિવસ આ સંસારને છોડીને જવું જ પડે છે. ગીતામાં મૃત્યુ વિશે કહેવામાં આવ્યું છે કે આત્માનો કોઇ વિનાશ નથી કરી શકતું. આત્મા અજર અને અમર છે. કોઇ પણ પ્રકારની આગ તેનો નાશ નથી કરી શકતી.
ન તો કોઇપણ પ્રકારનું પાણી એને ભીંજવી શકે છે અને ન તો કોઇપણ હવા તેને સુકવી શકે છે ! ત્યારે પ્રશ્ન થવો સ્વભાવિક છે કે તો પછી મૃત્યુ બાદ આત્માનું શું થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર વાસ્તવમાં ગરુડ પુરાણ માંથી મળે છે. આવો, આજે આપણે પણ તે વિશે જાણીએ.
ગરુડ પુરાણ મહિમા
ગરુડ પુરાણ એ 18 મહાપુરાણોમાંથી એક મનાય છે. તેના કુલ 271 અધ્યાયમાંથી કુલ 16 અધ્યાય મૃત્યુ, મૃત્યુ બાદની યમલોકની યાત્રા તેમજ સ્વર્ગ અને નર્કના વર્ણન પર આધારિત છે. ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણમાં પોતાના વાહન પક્ષીરાજ ગરુડને જન્મ અને મૃત્યુ વિશે વિસ્તારમાં જણાવ્યું છે. તેના અનુસાર મૃત્યુ પછી જીવાત્માને નરકનું કષ્ટ ભોગવવું પડે છે અથવા તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને આ દરેક વસ્તુઓ વ્યક્તિના જીવનમાં કરેલ કર્મોના આધારે નક્કી થાય છે. ગરુડ પુરાણમાં આત્માની યમલોકની યાત્રા વિશે જણાવવામાં આવ્યું છે. આખરે, મૃત્યુ બાદ કેવી હોય છે યમલોકની યાત્રા ? પાપી આત્માને માર્ગમાં કેવા કેવા કષ્ટ સહન કરવા પડે છે ? તે તમામ વિશે ગરુડ પુરાણમાં વર્ણન મળે છે.
કેવી હોય છે જીવની અંતિમ ક્ષણ ?
ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર મૃત્યુ પછી જીવાત્માએ વિવિધ માર્ગો પરથી પસાર થવું પડે છે. જ્યાં તેના પાપ-પુણ્યનો હિસાબ થાય છે. ત્યારબાદ આત્મા આગળનો માર્ગ નક્કી કરે છે. તેમાં એમ પણ જણાવ્યું છે કે મૃત્યુના કેટલાક સમય પહેલા વ્યક્તિનો અવાજ બંધ થઇ જાય છે. શરીરની તમામ ઇન્દ્રિયો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરે છે અને વ્યક્તિ જીવનના અંતિમ તબક્કામાં પરમાત્માની દિવ્ય દૃષ્ટિને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ જ આત્મા શરીરનો ત્યાગ કરે છે. પછી યમરાજના બે યમદૂત આત્મા સાથે એવો જ વ્યવહાર કરે છે જેવો જીવાત્માએ પોતાના જીવનમાં બીજા સાથે કર્યો હતો.
મૃત્યુ પછીના ત્રણ માર્ગ !
ગરુડ પુરાણ ગ્રંથમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માને ત્રણ અલગ અલગ માર્ગો પરથી પસાર થવું પડે છે. તેમાં પહેલો માર્ગ છે અર્ચિ માર્ગ. બીજો માર્ગ છે ધૂમ માર્ગ અને ત્રીજો માર્ગ છે ઉત્પત્તિ વિનાશ માર્ગ. વાસ્તવમાં જીવાત્મા તેના કર્મ અનુસાર અલગ-અલગ માર્ગ પર યાત્રા કરે છે.
અર્ચિ માર્ગ
સર્વ પ્રથમ છે અર્ચિ માર્ગ. આ સૌથી પહેલા માર્ગમાં દેવલોક અને બ્રહ્મા લોક હોય છે કે જે સર્વોચ્ચ કહેવાય છે. તેમાં મૃત્યુ પછી એવા વ્યક્તિ જાય છે કે જેમણે પોતાના જીવનમાં માત્ર સારા કર્મ જ કર્યા હોય છે અને તેઓ પાપકર્મથી દૂર રહ્યા હોય છે.
ધૂમ માર્ગ
મૃત્યુ બાદના ત્રણ માર્ગમાંથી બીજો માર્ગ છે ધૂમ માર્ગ. આ ધૂમ માર્ગની યાત્રાને પિતૃલોકની યાત્રા કહેવાય છે.
ઉત્પત્તિ-વિનાશ માર્ગ
ત્રીજો માર્ગ છે ઉત્પત્તિ-વિનાશનો માર્ગ. આ માર્ગ ખૂબ જ વિનાશકારી મનાય છે. કારણ કે, વાસ્તવમાં તે નરકની જ યાત્રા હોય છે. આ યાત્રામાં જીવાત્માને બહુ જ કષ્ટનો સામનો કરવો પડે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)