રસોડું એ ભારતીય ઘરનું એક મહત્વનું અંગ માનવામાં આવે છે. આ રસોડું જ આપણા દિવસભરની ઊર્જાનો સ્ત્રોત છે. રસોડામાં રહેલ દરેક વસ્તુ મહત્વપૂર્ણ છે. જો આ વસ્તુઓને વાસ્તુશાસ્ત્રના નિયમો અને સિદ્ધાંતો અનુસાર રાખવામાં આવે તો તેનાથી ઘરની સકારાત્મક ઊર્જા જળવાય છે.
સારા સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા અને પ્રેરણામાં સુધારો લાવવા રસોડું સૌથી સારી જગ્યા છે.
તો તેનાથી વિપરીત રસોડામાં રહેલ વાસ્તુદોષના કારણે સમગ્ર પરિવાર પર તેની નકારાત્મક ઊર્જા ફેલાય છે. તેની ખરાબ અસર સમગ્ર પરિવાર પર પડે છે. એવી સ્થિતિમાંથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વસ્તુઓને રસોડામાં રાખવાની સખત મનાઇ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે તે વસ્તુઓ કઈ છે ?
રસોડામાં ન રાખો આ વસ્તુઓ !
⦁ રસોડામાં તૂટેલા અને ઘસાયેલા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ. આવી વસ્તુઓનો ભૂલથી પણ ઉપયોગ ન કરવો જોઈએ. તૂટેલા અને ઘસાયેલા વાસણ આર્થિક સમસ્યાનું કારણ મનાય છે !
⦁ સુરક્ષાની દૃષ્ટિએ જોઇએ તો ઘરમાં ફર્સ્ટ એડ કીટ રાખવી ખૂબ જરૂરી છે. પરંતુ, યાદ રાખો કે તે કીટને રસોડામાં ક્યારેય ન રાખવી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં દવાઓ રાખવાથી ઘરના મુખ્ય વ્યક્તિનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે ! અને ઘરમાં કોઇને કોઇ સભ્ય સતત બીમાર રહે છે.
⦁ ઘરમાં અરીસો જો યોગ્ય જગ્યાએ લાગેલો હોય તો તે સમગ્ર ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. પરંતુ, રસોડામાં અરીસો રાખવાથી ઘરમાં કલેશ વધે છે ! એટલે, ઘરના રસોડામાં ભૂલથી પણ અરીસો ન લગાવવો જોઈએ.
⦁ ઘરના રસોડામાં હંમેશા ઉપયોગી અને સારી વસ્તુઓ જ રાખવી જોઇએ. રસોડાને હંમેશા સ્વચ્છ રાખવું જોઇએ. રસોડામાં ક્યારેય રાત્રિના એંઠા વાસણ ન રાખવા જોઇએ. એંઠા વાસણ રાખવાના કારણે માતા લક્ષ્મી નારાજ થઇને ઘરમાંથી જતા રહે છે અને ઘરમાં આર્થિક તંગી સર્જાઈ શકે છે !
⦁ એક માન્યતા અનુસાર જો તમે રાત્રે લોટની કણક બાંધીને રાખો છો, તો ઘર પર શનિ અને રાહુની નકારાત્મક અસર પડે છે. એટલે, ઘરમાં ક્યારેય રાત્રે કણક બાંધીને ન રાખવી. આવી કણકની રોટલી ખાવી પણ અશુભદાયી મનાય છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)