હિન્દુ ધર્મમાં અગિયારસ એટલે કે એકાદશીનું ખૂબ મહત્વ છે. દરેક મહિને 2 અગિયારસ આવે છે, લોકો આ બંને દિવસે ઉપવાસ રાખતા હોય છે. હિંદુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી તિથિને અપરા એકાદશી કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુની વિશેષ ઉપાસના માટે સમર્પિત અપરા એકાદશીનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે.
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ આ વ્રત રાખે છે તેને જીવનમાં અપાર પ્રગતિ થાય છે અને મોક્ષ પણ મળે છે.
અપરા એકાદશીનું મહત્વ
ધાર્મિક માન્યતા અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે, તેની સાથે જ વ્યક્તિને મોક્ષ પણ મળે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો, તો એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો. આમ કરવાથી તમે આર્થિક રીતે સમૃદ્ધ બનો છો. એકાદશીનું વ્રત કરવાથી શરીર પણ રોગમુક્ત રહે છે.
અપરા એકાદશી કથા
યુધિષ્ઠિર દ્વારા પૂછવામાં આવતા ભગવાન કૃષ્ણે અપરા એકાદશીના મહત્વ વિશે જણાવ્યું અને કહ્યું કે અપરા એકાદશીનું વ્રત કરવાથી પ્રેત યોની, બ્રહ્મહત્યા વગેરેથી મુક્તિ મળે છે. દંતકથા અનુસાર, પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો એક ધર્મનિષ્ઠ રાજા હતો. બીજી તરફ તેનો નાનો ભાઈ વજ્રધ્વજ ખૂબ જ ક્રૂર, અધર્મી અને અન્યાયી હતો, જે તેના મોટા ભાઈ મહિધ્વજને ધિક્કારતો હતો. રાજ્ય પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે, તેણે એક રાત્રે તેના મોટા ભાઈની હત્યા કરી અને તેમના શરીરને જંગલમાં પીપળના ઝાડ નીચે દફનાવી દીધું.
અકાળ મૃત્યુને કારણે રાજા મહિધ્વજ પ્રેત યોનિમાં ભૂત બનીને તે પીપળાના વૃક્ષ પર રહેવા લાગ્યા અને પછી ખૂબ દુરાચાર કરવા લાગ્યા. એકવાર ધૌમ્ય ઋષિએ ભૂત જોયું અને માયા પાસેથી તેમના વિશે બધું જાણી લીધું. ઋષિએ તે ભૂતને ઝાડ પરથી ઉતારી દીધું અને પરલોકના જ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેમના મોક્ષ માટે, ઋષિએ અપરા એકાદશીનું વ્રત કર્યું અને શ્રી હરિ વિષ્ણુને રાજા માટે પ્રાર્થના કરી. આ પુણ્યની અસરથી રાજાને ભૂત યોનિમાંથી મુક્તિ મળી. રાજા ખૂબ જ ખુશ થયા અને ઋષિનો આભાર માનીને સ્વર્ગમાં ગયા.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)