હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં ભોલેનાથને ખૂબ જ ભોળા કહેવામાં આવ્યા છે. માન્યતા છે કે જે પણ ભક્ત સાચા મનથી મહાદેવની પૂજા-અર્ચના કરે છે ભગવાન શિવની તેમના પર વિશેષ કૃપા રહે છે. ભગવાન શિવ પોતાના ભક્તો પર ફક્ત સરળ પૂજા, જળ અને બિલીપત્ર અર્પિત કરવાથી જ ખૂબ જ પ્રસન્ન થઇ જાય છે અને તેમને શુભાશિષ પ્રદાન કરે છે.
શાસ્ત્રોમાં ભગવાન શિવની પસંદ અને નાપસંદની વસ્તુઓ અર્પિત કરવા વિશે પણ ઉલ્લેખ મળે છે. જે રીતે ભગવાન શિવને બિલી પત્ર, ધતૂરા ખૂબ જ પ્રિય છે, તે જ રીતે ઘણી એવી વસ્તુ છે જેમને ભગવાન શિવને અર્પિત કરવામાં નથી આવતી. તેમાંથી એક તુલસી પણ છે. માન્યતા છે કે ભગવાન શિવને તુલસી ન ચડાવવી જોઇએ. તુલસી ચડાવવાથી ભક્તો તેમના રૌદ્ર રૂપનો ભોગ બનવું પડે છે. ઘણા ઓછો લોકો જાણતા હશે કે ભગવાન શિવને તુલસી કેમ નથી ચડાવવામાં આવતી. ચાલો આજે અમે તમને તેની પાછળની પૌરાણિક કથા જણાવીએ.
આ છે પૌરાણિક કથા
એક પૌરાણિક કથા અનુસાર પૂર્વ જન્મમાં તુલસીનું નામ વૃંદા હતું. જે જાલંધર નામના એક રાક્ષસની પત્ની હતી. જાલંધર ભગવાન શિવનો જ અંશ હતો. પરંતુ પોતાના ખરાબ કર્મોના કારણે તેનો જન્મ રાક્ષસ કુળમાં થયો. અસુરરાજ જાલંધરને પોતાની વીરતા પર ખૂબ જ ઘમંડ હતો. તેનાથી સૌકોઇ ત્રસ્ત હતા. પરંતુ તેમ છતાં તેની કોઇ હત્યા કરી શકતું ન હતું. કારણ કે તેની પત્ની વૃંદા એક પતિવ્રતા સ્ત્રી હતી. જેના પ્રતાપના કારણે રાક્ષસ સુરક્ષિત રહે છે.
રાક્ષસ જાલંધરના મોત માટે વૃંદાનો પતિવ્રતા ધર્મ ભંગ થવો ખૂબ જ જરૂરી હતો. અસુરરાજ જાલંધરનો અત્યાચાર વધવા લાગ્યો તો જનકલ્યાણ માટે ભગવાન વિષ્ણુએ રાક્ષસ જાલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાના પતિવ્રતા ધર્મનો ભંગ કરી દીધો. જ્યારે વૃંદાને આની જાણ થઇ કે ભગવાન વિષ્ણુએ તેના પતિવ્રતા ધર્મનો ભંગ કર્યો છે તો તેણે ભગવાન વિષ્ણુને શાપ આપી દીધો.
ભગવાન વિષ્ણુએ આપ્યો શાપ
વૃંદાના શાપથી નારાજ થઇને વિષ્ણુજીએ જણાવ્યું કે તે રાક્ષસ જાલંધરથી તેનો બચાવ કરી રહ્યાં હતા અને તેમણે વૃંદાને શાપ આપ્યો કે તે લાકડુ બની જાય. તેવામાં વૃંદાનો પતિવ્રતા ધર્મ નષ્ટ થયા બાદ ભગવાન શિવે રાક્ષસરાજ જાલંધરની હત્યા કરી દીધી. વિષ્ણુજીના શાપના કારણે વૃંદા કાલાંતરમાં તુલસી બની. કહેવામાં આવે છે કે તુલસી શાપિત છે અને શિવજી દ્વારા તેના પતિની હત્યા કરવામાં આવી હતી તેથી શિવ પૂજનમાં તેની પૂજા નથી કરવામાં આવતી.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)