હિન્દુ ધર્મમાં ભગવાન સમક્ષ ધૂપ-દીપ કરવાનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કહે છે કે પ્રભુની વિધિ વિધાન સાથે પૂજા કરીને તેમને ધૂપ અર્પણ કરવામાં આવે તો તે સવિશેષ પ્રસન્ન થાય છે. તેમજ ભક્તોને જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ અપાવે છે. તો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ધૂપના ઉપાય કરવાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
એટલું જ નહીં, તંત્ર-મંત્રની બાધાઓને દૂર કરવાનું પણ ધૂપમાં સામર્થ્ય છે. ત્યારે આવો, આજે તે જ વિષય પર આપને વધુ માહિતગાર કરીએ.
નકારાત્મકતાથી મુક્તિ અર્થે
⦁ ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે ઘરમાં લોબાનને ગાયના છાણા સાથે આગમાં રાખી દો. જ્યારે લોબાન પ્રજવલિત થશે તો તેમાંથી ધૂપ નીકળશે અને તેને આખા ઘરમાં એકવાર પ્રસરવા દેવો. આ રીતે ધૂપ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે.
⦁ ઘરમાંથી નકારાત્મક ઊર્જાને બહાર નીકાળવા માટે ગૂગળ, કપૂર, દેશી ઘી અને ચંદનને એકસાથે મેળવીને તેને પ્રજવલિત કરો. આ ધૂપને સમગ્ર ઘરના દરેક ખૂણામાં પ્રસરવા દેવો. આ ઉપાય કરવાથી પણ આપના ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો વાસ થાય છે.
⦁ નકારાત્મક ઊર્જાથી ઘરને મુક્ત કરવા માટે ખાસ કરીને ગુરુવાર અને રવિવારના દિવસે વિશેષ પ્રયોગ અજમાવો. લોબાન, ગોળ અને ઘીને મિશ્રિત કરીને તેને પ્રજવલિત કરો. જો આપ ઇચ્છો તો તેમાં રાંધેલ ભાત પણ ઉમેરી શકો છો. તેનાથી ઘરમાં સુગંધિત વાતાવરણ બનશે અને ઘરની નકારાત્મક ઊર્જા દૂર થશે.
⦁ નકારાત્મકતાને ઘરમાંથી દૂર કરવાનો એક સરળ ઉપાય એ પણ છે કે પીળી સરસવ, ગુગળ, લોબાન, ગૌધૃતને મિક્સ કરીને ધૂપ બનાવો. આ વસ્તુઓ સૂર્યાસ્ત થતા પહેલા જ કુંડામાં રાખીને પ્રજવલિત કરવી. આ ઉપાયને સતત 21 દિવસ સુધી કરવાથી ઘરમાં રહેલ નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ સર્જાય છે.
પ્રસન્નચિત્ત વાતાવરણ માટે
એક પાત્રમાં તેલ ઉમેરી તેમાં ધૂપને સારી રીતે ગરમ થવા દો. હવે રાત્રિના સમયે લાકડી કે છાણાંને પ્રજ્વલિત કરીને તેના પર લોબાન રાખી દો. જ્યારે લોબાન પ્રજવલિત થવા લાગે ત્યારે તેમાં તે તેલને ધીરે ધીરે ઉમેરતા જવું. અને ધૂપને સમગ્ર ઘરમાં પ્રસરવા દો. આ ધૂપના કારણે ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પ્રસન્નચિત્ત બને છે.
તંત્ર-મંત્રની બાધા દૂર કરવા
જો આપને એવું લાગતું હોય કે આપના ઘર પર કોઇએ તંત્ર-મંત્ર કર્યું છે તો જાવંત્રી, કેસરને પીસીને મિશ્રિત કરી લો. ત્યારબાદ તેમાં ગુગળ ઉમેરી દો. આ મિશ્રણનો ધૂપ નિયમિત રીતે 21 દિવસ સુધી સાંજના સમયે કરવો જોઇએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી તંત્ર-મંત્ર સંબંધિત બાધાઓ ટળી જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)