વૈશાખ માસના વદ પક્ષની એકાદશીને અપરા એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આ વખતે 15 મે, સોમવારના રોજ અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. અપરા એકાદશી આમ તો અનેકવિધ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. પણ, સવિશેષ તો તે મોક્ષની પ્રાપ્તિ કરાવનારી મનાય છે.
કહે છે કે અપરા એકાદશી જીવને પ્રેત યોનિમાંથી મુક્ત કરીને વૈકુંઠની પ્રાપ્તિ કરાવે છે.
એ જ દૃષ્ટિએ આ એકાદશી પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ કરાવનારી પણ મનાય છે. આ દિવસે કેટલાંક ખાસ ઉપાયો અજમાવીને તમે પિતૃઓને શાંતિ પ્રદાન કરી શકો છો. અને તેમના શુભ આશીર્વાદની પ્રાપ્તિ પણ કરી શકો છો. આવો, તે જ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ.
પિતૃ શાંતિના ઉપાય
⦁ દરેક એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એટલે અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા જરૂરથી કરવી. આ સાથે જ તેમને પીળા રંગના વસ્ત્ર અર્પણ કરીને વિષ્ણુ મંત્રનો જાપ કરવો જોઈએ. જો આપ નારાયણને પ્રસન્ન કરો છો તો તેની કૃપા આપના પિતૃઓને પણ પ્રાપ્ત થાય છે.
⦁ આ દિવસે શંખમાં તુલસીદળ ઉમેરીને ભગવાન વિષ્ણુને જળાભિષેક કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.
⦁ આ દિવસે પૂજામાં ખાસ ભગવાન વિષ્ણુને 11 સોપારી અર્પણ કરવી અને દરેક સોપારીને અર્પણ કરતા સમયે પિતૃ શાંતિની પ્રાર્થના કરવી.
⦁ આ દિવસે શક્ય હોય તો પિતૃઓને યાદ કરીને પવિત્ર નદીમાં સ્નાન કરો અને ત્યારબાદ કોઈ મંદિરમાં મીઠાઈનું દાન કરો.
⦁ માન્યતા અનુસાર પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે. એટલે પિતૃઓની શાંતિ અર્થે અપરા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં જળ જરૂરથી અર્પણ કરવું જોઈએ.
⦁ પીપળા પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરીને તેની 11 પરિક્રમા કરવી જોઈએ.
⦁ કાળા તલને કાળા રંગના વસ્ત્રમાં બાંધીને તેને પીપળાના વૃક્ષ પર લટકાવી દેવા જોઈએ.
⦁ કાળા રંગના વસ્ત્રમાં થોડા અક્ષત, લવિંગ અને મીઠું ઉમેરીને જમીનમાં દાટી દેવું જોઈએ.
⦁ અપરા એકાદશીએ 1 રૂપિયાના સિક્કાને સરસવના તેલમાં ડુબાડીને ત્યારબાદ તેને ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરવો જોઈએ.
⦁ એક મુઠ્ઠી અન્નમાં સરસવનું તેલ છાંટીને તેનું કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ.
⦁ પિતૃ શાંતિ અર્થે ચણાની દાળ ગાયને ખવડાવવી અને પીળા રંગના પુષ્પ પવિત્ર જળમાં પ્રવાહિત કરવા.
⦁ આ દિવસે કેળના વૃક્ષની પૂજા કરવી અને કેળના પાન પર હળદરથી તિલક કરવું અત્યંત શુભદાયી મનાય છે.
⦁ વાનરો કે હાથીને કેળા ખવડાવવા જોઈએ અથવા તો કોઈ જરૂરિયાતમંદને કેળાનું દાન કરવું જોઈએ.
⦁ ઘરની દક્ષિણ દિશામાં અક્ષતની પોટલી બાંધીને રાખો. દર શનિવારે આ પોટલી બદલીને તે અક્ષતને મંદિરમાં અર્પણ કરો.
⦁ અપરા એકાદશીના દિવસે પિતૃ પૂજા કરવી અથવા તો કોઇ જાણકાર પાસે પિતૃ પૂજા કરાવવી જોઈએ. આ દિવસે કરેલ પૂજા અત્યંત શુભ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)