હિન્દુ સંસ્કૃતિમાં તિલકનું ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વાસ્તવમાં તિલક એ આપણી સનાતન સંસ્કૃતિની નિશાની પણ છે. હિન્દુ ધર્મમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા તો એવી છે કે તિલક લગાવવાથી આપણું આજ્ઞા ચક્ર જાગૃત થાય છે.
શાસ્ત્રમાં તિલકનું આધ્યાત્મિક મહત્વ જણાવવામાં આવ્યું છે.
કોઇ સાધુ કે સંતને જ્યારે તમે જુઓ છો તો તેમના મસ્તક પર અલગ અલગ પ્રકારના તિલક જોવા મળે છે. ઘણાં ગોળ તિલક લગાવે છે. કોઇ ત્રણ રેખાવાળું તિલક લગાવે છે તો કોઇ લાંબુ તિલક લગાવે છે. શિવ ભક્ત ત્રિપુંડ તિલક લગાવે છે. હિન્દુ માન્યતા અનુસાર તિલક વિના કરવામાં આવેલ પૂજા અપૂર્ણ ગણાય છે. આ કારણે જ આપણી પરંપરામાં તિલક લગાવવાનું વિધાન જણાવ્યું છે. ત્યારે અમારે આજે આપને તિલક કરવા ઉપયોગમાં લેવાતા પાંચ દ્રવ્યો વિશે વાત કરવી છે, કે જે અદભુત શક્તિના સંચારક મનાય છે.
તિલકના પ્રકાર !
તિલકના દ્રવ્ય પૂર્વે તેના પ્રકાર વિશે જાણીએ. મૂળ રૂપે તિલકના 3 પ્રકાર હોય છે. એક રેખાકૃતિ તિલક, બીજુ દ્વિરેખા કૃતિ તિલક અને ત્રીજું ત્રિરેખાકૃતિ તિલક. આ 3 પ્રકારના તિલકમાં ગોરોચન અને કસ્તૂરીનો પ્રયોગ કરવામાં આવે છે. એમાં કસ્તૂરીનું તિલક કરવાનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. અલબત્, પ્રચલિત પરંપરામાં નીચેના પાંચ પ્રકારના તિલકની આગવી જ મહત્તા છે.
ચંદનનું તિલક
આપણી સંસ્કૃતિમાં ચંદન તિલકને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માન્યતા છે કે ચંદનનું તિલક લગાવવાથી આપણું મન શીતળ થાય છે. આ તિલકને લગાવવાથી મનની એકાગ્રતા વધે છે અને વ્યક્તિની અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આપણાં પૌરાણિક ગ્રંથો અનુસાર પીળા ચંદન કે હલ્દી ચંદનથી તિલક લગાવવાથી ગુરુ ગ્રહ પ્રસન્ન થાય છે અને આપના પર તેમની કૃપા વરસાવે છે.
કંકુનું તિલક
પૂજા પાઠમાં મોટાભાગે કંકુના તિલકનો પ્રયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ તિલકને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. આ તિલક મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે મસ્તક પર લગાવે છે.
ભસ્મ તિલક
હિન્દુ ધર્મમાં ભસ્મ તિલકનું મહત્વપૂર્ણ સ્થાન છે. શૈવ પરંપરાના સાધુ મોટાભાગે પોતાના શરીર પર ભસ્મ લગાવે છે. પૂજા કે હવન બાદ ભસ્મનું તિલક જરૂર લગાવવું જોઇએ. પૌરાણિક શાસ્ત્રો અનુસાર ભસ્મનું તિલક લગાવવાથી ભગવાન ભૈરવ ખુશ થાય છે અને પોતાના ભક્તો પર કૃપાદૃષ્ટિ રાખે છે.
કેસરનું તિલક
હળદર કે કેસરનું તિલક કોઇ મંગળ કાર્ય હેતુ કરવામાં આવે છે. આ તિલક ખાસ કરીને તો ઘરેથી નીકળતા સમયે કરવામાં આવે છે. માન્યતા અનુસાર તેનાથી આપની યાત્રા એકદમ સુરક્ષિત રીતે પાર પડે છે. અને કોઈપણ પ્રકારનું અમંગળ ટળી જાય છે.
સિંદૂરનું તિલક
સિંદૂરથી કરવામાં આવેલ તિલક શક્તિનું પ્રતિક મનાય છે. માન્યતા અનુસાર આ તિલક કરવાથી મનની નિરાશાનો નાશ થાય છે. મનમાં ઉમંગ અને ઉત્સાહનો સંચાર થાય છે. જીવનના તણાવ ઓછા કરવા તેમજ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે સિંદૂરનું તિલક કરવાનું સવિશેષ મહત્વ છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)