fbpx
Thursday, October 31, 2024

આ અપરા એકાદશી શા માટે ખાસ છે? જીવનની તમામ મુશ્કેલીઓમાંથી કેવી રીતે છુટકારો મેળવવો?

તારીખ 15 મે, સોમવારે અપરા એકાદશીનું વ્રત કરવામાં આવશે. વૈશાખ માસના વદ પક્ષની આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે. આ દિવસે એક અત્યંત સરળ ઉપાય અજમાવીને તમે દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ પણ કરી શકો છો !

વર્ષની તમામ એકાદશી ભગવાન વિષ્ણુને જ સમર્પિત છે.

જેમાં અપરા એકાદશી વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવનારી એકાદશી મનાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે અપરા એકાદશી સોમવારના દિવસે છે. સોમવાર એ શિવજીને સમર્પિત છે. તે દૃષ્ટિએ હરિહરની એકસાથે કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસ અત્યંત ફળદાયી મનાઈ રહ્યો છે. ત્યારે આવો જાણીએ કે આ દિવસે કયા વિશેષ ઉપાયો અજમાવીને તમે વિવિધ પ્રકારના કષ્ટોમાંથી મુક્તિની પ્રાપ્તિ કરી શકશો.

શુભ, લાભ અને ધનની પ્રાપ્તિ અર્થે

જીવનમાં શુભ, લાભ અને ધન પ્રાપ્તિ માટે અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની એકસાથે પૂજા જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની મૂર્તિને પીળા રંગના પુષ્પ અર્પણ કરવા. સાથે જ પીળા રંગના ફળ તેમજ મીઠાઈનો ભોગ જરૂરથી અર્પણ કરવો જોઈએ.

ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ !

ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અપરા એકાદશીના દિવસે તેમને ભૂલ્યા વિના કેળાનો ભોગ જરૂરથી અર્પણ કરવો જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. સાથે સાથે વ્યક્તિના તમામ પાપ પણ નષ્ટ થઈ જાય છે.

આ મંત્રનો કરો જાપ

અપરા એકાદશીના દિવસે એક સાફ અને સ્વચ્છ આસન પર આપે સ્થાન ગ્રહણ કરવું જોઈએ. ત્યારબાદ “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ. કહે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં પવિત્રતા આવે છે. તેમજ ઘરમાં શાંતિનો વાસ થાય છે.

દીપ પૂર્ણ કરશે મનોકામના !

ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના માટે અપરા એકાદશીના દિવસે ગાયના ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. એકાદશીના દિવસે ઘરના પવિત્ર સ્થાન પર દીવો અવશ્ય પ્રગટાવવો જોઇએ. તેનાથી માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપના પર અકબંધ રહેશે.

દેવામાંથી મુક્તિ અર્થે

જો આપ આર્થિક સંકટોથી ઘેરાયેલા હોવ અથવા તો દેવાના બોજ તળે દબાયેલા હોવ તો આપે અપરા એકાદશીના દિવસે એક ખાસ કામ કરવું. સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને પીપળાના વૃક્ષમાં જળનું સિંચન કરવું. આ કાર્યથી આપને પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ તો થશે જ. સાથે જ ધીમે ધીમે એવાં સંજોગોનું નિર્માણ થશે કે તમે દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ કરી શકો.

શિવ ઉપાસના !

આ વર્ષે અપરા એકાદશી સોમવારના દિવસે આવે છે એટલે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. હરિહરની એકસાથે આરાધનાથી સાધકને તેના જીવનના તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિની પ્રાપ્તિ થઈ જશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles