ઘરના દરેક ભાગની જેમ જ ઘરના બાથરૂમ માટે પણ વાસ્તુમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તેમાં બાથરૂમની દિશા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમજ તેમાં કઇ વસ્તુઓ રાખવી અને કઇ ન રાખવી તેવા નિયમો જણાવવામાં આવ્યા છે.
માન્યતા અનુસાર જો તમે બાથરૂમ સંબંધિત આ નિયમોનું પાલન નથી કરતા તો આપને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
બાથરૂમનો ઉપયોગ કરતા સમયે કરેલી કેટલીક ભૂલો પણ આપના ધનની હાનિનું કારણ બની શકે છે ! તો ચાલો, જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર સંબંધિત તે કયા નિયમો છે કે જેનું પાલન કરવું અત્યંત જરૂરી મનાય છે.
બાથરૂમના વાસ્તુ નિયમ !
⦁ વાસ્તુ શાસ્ત્ર અનુસાર સ્નાન બાદ બાથરૂમને ગંદુ ન રાખવું જોઈએ. નહીંતર તે આપને કંગાળ બનાવી દે છે ! બાથરૂમની ગંદકી અને તેની ખોટી જગ્યા રાહુ-કેતુ જેવા ગ્રહોને પ્રભાવિત કરે છે. એટલે ક્યારેય બાથરૂમને ગંદુ ન રાખવું. એ જ રીતે બાથરૂમમાં ભીના કપડા પણ ન રાખવા જોઈએ. નહાયા પછી બાથરૂમને એકદમ સુકવીને સાફ કરી દેવું. તેનાથી આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે. જો તમે બાથરૂમને ભીનું કે ગંદુ રાખો છો, તો તમને રાહુ, કેતુ અને શનિગ્રહના પ્રકોપનો સામનો કરવો પડે છે.
⦁ બાથરૂમમાં રહેલ નળનું પાણી સતત ટપકવાથી પણ વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. આ રીતે પાણીનો બગાડ થવાથી પરિવારના ધન અને સન્માનને પણ હાનિ પહોંચે છે. વાસ્તવમાં તો ઘરમાં રહેલ કોઇપણ નળમાંથી પાણી ટપકવું ન જોઇએ. નહીંતર આપે તેનું બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે.
⦁ બાથરૂમમાં ક્યારેય ખાલી ડોલ ન રાખવી જોઈએ. સ્નાન બાદ તેમાં જરૂરથી પાણી ભરી રાખવું જોઈએ. તેનાથી ઘરમાં ધનનો પ્રવાહ જળવાયેલ રહે છે.
⦁ વાળ ધોયા પછી કેટલાક વાળ તૂટીને બાથરૂમમાં પડે છે. જેને સ્નાન બાદ તરત જ સાફ કરી દેવા જોઇએ.
⦁ સ્નાન પૂર્વે જ ગંદા અને પહેરેલા કપડા ધોઇ લેવા જોઇએ. સ્નાન બાદ ગંદા અને પહેરેલા કપડા ધોવાથી આપની આર્થિક સ્થિતિને અસર પહોંચી શકે છે. તેનાથી તમારો સૂર્ય નબળો થાય છે. સૂર્ય નબળો થવાને કારણે વ્યક્તિને ધનની સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે જ પરિવારમાં પણ સંઘર્ષનો સામનો કરવો પડે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)