હિન્દુ ધર્મમાં વાળથી લઇને પગના નખ સુધી કોઇને કોઇ માન્યતાઓ જણાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે અઠવાડિયાના કેટલાક દિવસો એવા હોય છે કે જે દિવસે વાળ અને નખ કાપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એ જ રીતે સપ્તાહના કયા દિવસોમાં વાળ ધોવા જોઈએ તે સંબંધિત નિયમોનો પણ ઉલ્લેખ જોવા મળે છે !
આપણાં શાસ્ત્રોમાં તેમજ લૌકિક માન્યતાઓમાં ઘણાં બધાં નિયમોનો ઉલ્લેખ મળે છે. આ એ નિયમો છે કે જેનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશહાલી અને વૃદ્ધિ આવે છે. ત્યારે આવો, આજે આપને એ જણાવીએ કે કયા દિવસે વાળ ધોવાથી આપના આપના જીવનમાં શુભ કે અશુભ પ્રભાવ પડી શકે છે ! આખરે, એ કયો દિવસ છે કે જે દિવસે વાળ ધોવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિનું આગમન થાય છે. આવો, તે વિશે વિગતે વાત કરીએ.
સોમવાર
લૌકિક માન્યતા અનુસાર સોમવારના દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ધોવાથી બચવું જોઇએ. કહેવાય છે કે જો સોમવારે કોઇપણ સૌભાગ્યવતી સ્ત્રી પોતાના વાળ ધુએ છે, તો પરિવારમાં કલેશ સર્જાય છે ! સાથે જ દરેક કાર્યમાં અવરોધનો સામનો કરવો પડે છે. અલબત્, કુંવારી છોકરીઓ આ દિવસે વાળ ધોઇ શકે છે.
મંગળવાર
મંગળવારના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ સાથે કુંવારી છોકરીઓએ પણ પોતાના વાળ ન ધોવા જોઇએ. કહેવાય છે કે આ દિવસે વાળ ધોવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે. તેમજ શુભ કાર્યમાં અવરોધ ઊભા થાય છે.
બુધવાર
બુધવારને વાળ ધોવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે કુંવારી છોકરીઓ સિવાય સૌભાગ્યવતી મહિલાઓ પણ પોતાના વાળ ધોઇ શકે છે. તેના સિવાય પુરુષો પણ પોતાના વાળ ધોઇ શકે છે. કહેવાય છે કે આ દિવસે વાળ ધોવાથી ઘરમાં ક્યારેય ધન, ધાન્યની અછત નથી રહેતી. ઘરમાં સુખ, સમૃદ્ધિનું આગમન થાય છે અને વેપારમાં પણ વૃદ્ધિ થાય છે.
ગુરુવાર
કહે છે કે ગુરુવારના દિવસે ક્યારેય ભૂલથી પણ વાળ ન ધોવા જોઇએ. આ દિવસે કોઇ વાળ ધુએ છે તો તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ સર્જાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ગુરુવારના દિવસે વાળ ધોવાથી વ્યક્તિનું આયુષ્ય ઘટે છે.
શુક્રવાર
શુક્રવારના દિવસે વાળ ધોવા શુભ મનાય છે. આ દિવસે વાળ ધોવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને આર્થિક તંગી દૂર થાય છે. તેના સિવાય શુક્રદેવ તે વ્યક્તિ પર મહેરબાન રહે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ ધોવાથી જાતકની સુંદરતામાં વૃદ્ધિ થાય છે.
શનિવાર
શનિવારના દિવસે સૌભાગ્યવતી મહિલાઓએ વાળ ન ધોવા જોઇએ. માન્યતા અનુસાર જો સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે વાળ ધુએ છે, તો તેનાથી શનિદેવ નારાજ થાય છે અને તેનું જીવન સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.
રવિવાર
મોટાભાગના લોકો રવિવારે તેમના વાળ ધોતા હોય છે. પરંતુ, કહે છે કે સૌભાગ્યવતી મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઇએ. આ દિવસે વાળ ધોવાથી પરિવારજનોની પ્રગતિમાં અવરોધ આવે છે. એક માન્યતા અનુસાર આ દિવસો સિવાય પણ સૌભાગ્યવતી મહિલાઓએ અમાસ, પૂનમ અને એકાદશીએ પણ વાળ ન ધોવા જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)