શાસ્ત્ર અનુસાર ભોજન બનાવતા સમયે અને બની ગયા પછી કેટલીક એવી વસ્તુઓ છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ બાબતોનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે. એ જ રીતે કેટલીક એવી વાતો છે જેને ભૂલથી પણ ન કરવી જોઈએ.
નહીંતર પરિવારને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે !
પત્નીની 5 આદતથી પતિ બનશે ધનવાન !
શાસ્ત્રોમાં મહિલાઓને લક્ષ્મીનું સ્થાન આપવામાં આવ્યું છે. ઘરમાં મહિલાઓને જ ઊર્જાનો મૂળ સ્ત્રોત માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર મહિલાઓને કારણે જ ઘરમાં સૌભાગ્ય અને દુર્ભાગ્યનું આગમન થાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે તેમ જો મહિલાઓ તેમની દૈનિક પ્રવૃત્તિમાં કેટલીક વાતોનું ધ્યાન રાખશે, તો ન માત્ર પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવશે, પરંતુ, પતિ અને બાળકો માટે પણ તે લાભદાયી બનશે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં આ વાતોને મહત્વપૂર્ણ માનવામાં આવી છે. કારણ કે, આ નાની નાની વાતો દ્વારા આપનું ભાગ્ય ચમકી ઉઠશે અને પરિવારમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે. તો ચાલો, આ મહત્વની વાતો વિશે જાણીએ.
આ રીતે બનાવો ભોજન !
હંમેશા ધ્યાનમાં રાખવું જોઇએ કે રસોડામાં પ્રવેશ કરતાં પહેલા સ્નાન અવશ્ય કરવું જોઇએ. સ્નાન કર્યા બાદ જ ભોજન બનાવવાની શરૂઆત કરવી જોઇએ. અને સ્નાન બાદ જ ભોજન ગ્રહણ કરવું જોઇએ. સ્નાન કર્યા વિના ભોજન બનાવવું શુભ માનવામાં નથી આવતું. માન્યતા અનુસાર સ્નાન વિના ભોજન બનાવવાથી અન્નદેવ અને અગ્નિદેવનું અપમાન થાય છે. એટલે હંમેશા ધ્યાનમાં રાખવું જોઇએ કે સ્નાન કર્યા બાદ જ ભોજન બનાવવું જોઇએ. આ બાબતનું ધ્યાન રાખવાથી જ ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. તેમજ પરિવારમાં મંગળ જ મંગળ થાય છે.
ભોજન બનાવતા પહેલાં કરો આ કામ
ભોજન બનાવતા પહેલાં ગેસને સારી રીતે સાફ કરી લો અને પછી જ ભોજન બનાવવાનું શરૂ કરવું જોઇએ. ભોજન બની જાય એટલે ગેસને ફરી સારી રીતે સાફ કરવો જોઈએ. ગેસ ચાલુ કર્યા બાદ અગ્નિદેવનું ધ્યાન કરવું કે ભોજન પુષ્ટતા અને આરોગ્યની પ્રાપ્તિ કરાવનારું બને. એવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાયેલી રહે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ રીતે ભોજન બનાવવાની શરૂઆત કરવાથી જીવનમાં ક્યારેય કોઇપણ પ્રકારના અભાવનો સામનો નથી કરવો પડતો.
ભોજન બનાવ્યા પછી જરૂરથી કરો આ કાર્ય !
ભોજન બનાવ્યા પછી પહેલું અન્ન અગ્નિદેવને અર્પણ કરવું જોઇએ. તેને અગ્નિહોત્ર કર્મ કર્યું કહેવાય. ભોજનનો પહેલો દાણો અન્નદેવને, પ્રથમ રોટલી ગાયને અને અંતિમ રોટલી શ્વાનને ખવડાવવી. પ્રકૃત્તિનો નિયમ છે કે જેટલું તમે આપશો તેનાથી વધુ તમને પરત મળશે. અગ્નિહોત્ર કર્મ કરવાથી અન્ન અને ધાનમાં વૃદ્ધિ થાય છે અને વ્યક્તિને દરિદ્રતાથી મુક્તિ મળે છે.
ભોજન બનાવતા સમયે ન કરો આ ભૂલ !
ભોજન બનાવતા સમેય ગુસ્સો કરવાથી દૂર રહેવું જોઈએ. તેમજ આવેશમાં આવીને ન તો કંઇ પણ બોલવું જોઇએ અને ન તો કંઇ કરવું જોઇએ. ભોજન બનાવતા સમયે મનને શાંત અને સંયમિત રાખવું જોઇએ. આવું કરવાથી અન્ન દેવતાને સન્માન મળે છે અને માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થાય છે. ક્રોધ કે કલેશની સાથે ભોજન બનાવવાથી ઘરનું ઐશ્વર્ય અને સમૃદ્ધિ નાશ પામે છે ! એ જ કારણ છે કે ભોજન બનાવતી વખતે ગુસ્સા અને આવેશથી બચવું જોઈએ.
રસોડામાં આ પ્રકારના વાસણ ન રાખો
ભોજન બનાવતી વખતે તેમજ ભોજન કરતી વખતે રસોડામાં ક્યારેય એંઠા વાસણ પડેલા ન હોવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દિવસ હોય કે રાત્રિ એંઠા વાસણ ક્યારેય ઘરમાં ન રાખવા. આ આદતથી ગ્રહ નક્ષત્રોનો અશુભ પ્રભાવ પડે છે. તેમજ આ આદત આપની સુખ-સમૃદ્ધિમાં અવરોધક બને છે. એટલે, હંમેશા ધ્યાન રાખો કે એંઠા થયેલા વાસણોને તરત જ ધોઇને સાફ કરીને મૂકી દેવા જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)