ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ માસના વદ પક્ષની અમાસની તિથિએ શનિ જયંતી ઉજવવામાં આવે છે. આ દિવસે વિશેષ કરીને શનિદેવની ઉપાસના કરવાથી જીવનમાં ખુશહાલી આવે છે. અલબત્, આ દિવસે કરવામાં આવેલી કેટલીક ભૂલ વ્યક્તિને ભારે પણ પડી શકે છે !
આ વખતે શનિ જયંતી તારીખ 19 મે, 2023, શુક્રવારના દિવસે ઉજવવામાં આવશે.
આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી સાધકને લાભની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. તેમને નવગ્રહોના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. તે જાતકને કર્મના આધારે ફળ પ્રદાન કરે છે.
જે જાતકની કુંડળીમાં શનિગ્રહ પ્રબળ હોય છે, તેના જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો તેનાથી વિપરીત શનિદેવની કુદૃષ્ટિથી કેટલાય પ્રકારના સંકટોનો સામનો કરવો પડે છે. એ જ કારણ છે કે શનિ જયંતીના દિવસે વ્યક્તિએ પૂજા પાઠની સાથે સાથે કેટલીક સાવધાની રાખવી અત્યંત જરૂરી બની જાય છે. આ દિવસે કેટલાંક ખાસ પ્રકારના ભોજનથી બચવું જોઈએ. જો આ દિવસે તમે શનિદેવને અપ્રિય વસ્તુઓનું સેવન કરો છો, તો તમારે તેમના ક્રોધનો ભોગ પણ બનવું પડી શકે છે. આવો, તે જ વિશે વિગતે માહિતી મેળવીએ.
દૂધનું સેવન ન કરવું !
જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શનિ જયંતીના અવસરે શનિદેવનો પ્રભાવ સવિશેષ હોય છે. એટલે આ દિવસે વ્યક્તિએ દૂધનું સેવન ન કરવું જોઈએ. કારણ કે, દૂધનો સંબંધ શુક્ર સાથે જોડાયેલો છે. જે ઇચ્છાનો કારક મનાય છે. જ્યારે શનિદેવ આધ્યાત્મ સાથે જોડાયેલ છે. એટલે આ દિવસે ખાસ દૂધનું સેવન કરવાથી બચવું જોઇએ. કહે છે કે જો આવું કરવામાં ન આવે તો લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે !
તીખો ખોરાક ન લેવો
જ્યોતિષવિદ્યાના જાણકારોના જણાવ્યા અનુસાર શનિદેવનો સ્વભાવ ઉગ્ર છે. એટલે શનિ જયંતીએ તીખા પદાર્થોનું સેવન ભૂલથી પણ ન કરવું જોઇએ. આ દિવસે લાલ મરચાનું સેવન ન કરવું હિતાવહ રહેશે. નહીંતર જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ! એટલું જ નહીં, વ્યક્તિને શનિદેવના ક્રોધનો ભોગ પણ બનવું પડે છે.
તામસિક ભોજન ગ્રહણ ન કરવું
શનિ જયંતીના દિવસે વ્યક્તિએ માંસાહાર, તામસિક ભોજન અને માદક દ્રવ્યોનું સેવન ન કરવું જોઇએ. આ બધા રાક્ષસી પ્રવૃત્તિના ખાદ્ય પદાર્થ છે. તેનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. સાથે જ શનિ જયંતીના દિવસે આ બધી વસ્તુઓનું સેવન કરવાથી શનિદેવ ક્રોધિત થઇ શકે છે અને વ્યક્તિને કુંડળીમાં શનિદોષનો ભય સતાવી શકે છે.
મસૂરની દાળનું સેવન ન કરો
શનિ જયંતીના દિવસે પૂજા પાઠ પછી મસૂરની દાળનું સેવન કરવાથી બચવું જોઇએ. કારણ કે, મસૂરની દાળનો રંગ લાલ હોય છે અને તેનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. માન્યતા અનુસાર મસૂરની દાળના સેવનથી વ્યક્તિનો સ્વભાવ ક્રોધી થઇ જાય છે. એવામાં શનિદેવના ક્રોધથી બચવા માટે મસૂરની દાળનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)