આજે વૈશાખ વદ અમાસનો અવસર એટલે શનિદેવનો જન્મદિવસ. ન્યાયના દેવતા શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વૈશાખ વદી અમાસની તિથિ અત્યંત ફળદાયી મનાય છે. ત્યારે આવો, એ જાણીએ કે આજે કયા મહાઉપાયો અજમાવીને તમે શનિ પીડામાંથી રાહતની પ્રાપ્તિ કરી શકશો.
ઘણાં લોકો શનિદેવનું નામ સાંભળીને જ ભયભીત થઈ જતા હોય છે.
કારણ કે શનિદેવનું સ્મરણ થતાં જ ભક્તોને સાત વર્ષની કે અઢી વર્ષની પનોતીનું સ્મરણ થઈ આવતું હોય છે ! અલબત્, શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તે વ્યક્તિને તેના કર્મ અનુસાર શુભ કે અશુભ ફળ પ્રદાન કરે છે. જો તમે સારા કર્મ કરો છો અને આસ્થા સાથે શનિદેવની પૂજા કરો છો, તો તે તમને પનોતીમાં પણ રાહતની પ્રાપ્તિ કરાવશે અને કુંડળીના શનિદોષને પણ દૂર કરશે. આજે શનિ જયંતી પર ગજકેસરી યોગ, શોભન યોગ અને શશ રાજયોગ જેવાં 3 શુભ યોગ સર્જાયા છે. ત્યારે નીચે મુજબના મહાઉપાય અજમાવીને તમે ચોક્કસપણે પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકશો.
મહાઉપાયથી શનિકૃપા !
⦁ જ્યોતિષના જાણકારોના જણાવ્યા અનુસાર આ દિવસે સ્નાન બાદ વ્યક્તિએ ભીના વસ્ત્રે જ એક વાટકીમાં સરસવનું તેલ ભરીને તેમાં પોતાનો ચહેરો જોવો જોઈએ. આ ઉપાય કર્યા પછી તે તેલને “ૐ શં શનૈશ્ચરાય નમઃ” મંત્રનો જાપ કરતા કરતા શનિદેવની પ્રતિમા પર અર્પણ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી વ્યક્તિને શનિદોષમાંથી રાહત મળે છે. તેમજ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે. શનિ જયંતીનો આ ઉપાય અત્યંત લાભદાયી મનાય છે.
⦁ જો આપ ધન સંબંધિત સમસ્યાથી પરેશાન હોવ તો શનિ જયંતીના દિવસે આંકડાના પાન પર લોખંડની ખીલી મૂકીને તે શનિદેવને અર્પણ કરો. કહે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિની દરેક પ્રકારની આર્થિક સમસ્યા દૂર થઈ જાય છે.
⦁ શનિ જયંતીના આ શુભ અવસરે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે નારિયેળને વહેતા પાણીમાં પ્રવાહિત કરવું જોઈએ. સાથે જ જૂના જૂતા-ચપ્પલને ચાર રસ્તે મૂકીને આવવા. ધ્યાનમાં એ રાખવું કે આ કાર્ય કરતી વખતે તમને કોઇ જોતું ન હોય ! આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેમજ આપની આર્થિક તંગી દૂર થાય છે.
⦁ શનિ જયંતીના અવસરે સ્મશાન ઘાટમાં લાકડાઓનું દાન કરવું પણ અત્યંત શુભદાયી બની રહે છે.
⦁ આજે શનિ જયંતીના દિવસે હોડીની ખીલ્લી કે ઘોડાની નાળમાંથી બનેલી લોખંડની વીંટી ‘મધ્યમા’ આંગળીમાં ધારણ કરવી જોઇએ. તે આપના ભવિષ્ય માટે લાભદાયી બની રહેશે.
⦁ જો જાતકની કુંડળીમાં શનિદોષ ચાલી રહ્યો હોય અને એ કારણથી તે સતત તણાવમાં રહેતો હોય તો તેણે શનિ જયંતીના દિવસે ચોક્કસપણે શનિદેવની ઉપાસના કરવી જોઇએ. સાથે જ શનિ મંદિરમાં જઇને શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું જોઇએ. આ સરળ ઉપાય તેને શનિની પીડામાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)