જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના વ્યક્તિત્વના દરેક રહસ્યને ખોલે છે ! એટલે કે, જ્યોતિષશાસ્ત્રમાં દરેક અક્ષરની પોતાની વિશેષતા હોય છે. હિન્દુ ધર્મમાં તો બાળકની કુંડળી જોઇને જ તેના નામનો પહેલો અક્ષર નક્કી કરવામાં આવે છે. ત્યારે, કેટલાક એવાં અક્ષરો પણ છે, કે જેનાથી શરૂ થતા નામવાળી છોકરીઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
જ્યારે લગ્નવાંચ્છુક યુવકના માતા-પિતા તેમના દિકરા માટે કન્યા શોધતા હોય છે, ત્યારે સર્વગુણ સંપન્ન કન્યાની આશા રાખતા હોય છે. તેમની મનશા એ જ હોય છે કે આવનાર પુત્રવધુ પરિવાર સાથે હળીમળીને રહે અને પરિવારજનો વચ્ચે પ્રેમ અકબંધ રહે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાંક ખાસ નામવાળી કન્યાઓને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ કન્યાઓ માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ, પોતાના ઘર, પરિવાર માટે તેમજ લગ્ન બાદ સાસરી પક્ષ માટે પણ ખૂબ જ નસીબદાર સાબિત થાય છે. આવો, કેટલીક આવાં જ અક્ષરવાળી કન્યાઓના ગુણોને જાણીએ.
‘અ’ અક્ષરના નામવાળી કન્યા
જે છોકરીઓના નામ ‘અ’ અક્ષરથી શરૂ થતા હોય તે ખૂબ જ ખુશમિજાજ સ્વભાવની હોય છે. આવી છોકરીઓ પોતે તો ખુશ રહે જ છે, સાથે જ બીજાને પણ ખુશ રાખવાની કોશિશ કરે છે. આ નામની છોકરીઓ પોતાની મસ્તીમાં મસ્ત રહેનાર હોય છે. તે પોતાના નસીબને જાતે જ બનાવવામાં વિશ્વાસ રાખે છે. તે પોતાના ઘર પરિવારના લોકોને ખુશ રાખવાના દરેક શક્ય પ્રયત્ન કરે છે. ‘અ’ અક્ષરના નામવાળી છોકરીઓ પોતાની આસપાસ ખુશીનું વાતાવરણ બનાવી રાખે છે. માનવામાં આવે છે કે જે ઘરમાં ‘અ’ અક્ષરથી શરૂ થતાં નામવાળી છોકરીના લગ્ન થાય છે, ત્યાં ધન-ધાન્યની ક્યારેય અછત નથી સર્જાતી !
‘દ’ અક્ષરના નામવાળી કન્યા
માન્યતા અુસાર જે છોકરીઓના નામાક્ષર ‘દ’ હોય છે, તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમને જીવનની તમામ સુખ સગવડો મળે છે. અન્યની સરખામણીમાં તેમને કોઇપણ વસ્તુ ખૂબ જ ઝડપથી મળે છે. આવી છોકરીઓ સંઘર્ષ કરવાથી ગભરાતી નથી. તે એક લિડરની ભૂમિકા ભજવે છે. જે ઘરમાં તેના લગ્ન થાય છે, તે ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. ‘દ’ અક્ષરના નામવાળી છોકરીઓ એક સર્વગુણ સંપન્ન વહુ સાબિત થાય છે. તેમજ તેને સાસરામાં ખૂબ જ માન સન્માન પ્રાપ્ત થાય છે.
‘લ’ અક્ષરના નામવાળી કન્યા
જે છોકરીઓના નામની શરૂઆત ‘લ’ અક્ષરથી થતી હોય છે, તેમને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર ‘લ’ અક્ષરના નામાક્ષરવાળી દિકરીઓ ખૂબ જ ધનવાન અને નસીબદાર હોય છે. તે પોતાના પરિવાર માટે ખૂબ જ લાગણીશીલ હોય છે. તેના પરિવાર સાથે તેને ખૂબ લગાવ હોય છે. તે પરિવારના દરેકને ખુશ કરવાના પૂરતા પ્રયત્ન કરે છે. આવી કન્યાઓ આત્મબળે જ જીવનમાં આગળ વધીને પોતાનું નામ કમાય છે. તેમને સમાજમાં ખૂબ જ માન, સન્માન મળે છે. કહે છે કે જે ઘરમાં ‘લ’ નામાક્ષરવાળી દિકરીના લગ્ન થાય છે, તે ઘરનું નસીબ ચમકી ઉઠે છે. ઘરમાં ઉન્નતિ અને પ્રગતિના યોગ સર્જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)