સોમવાર, મંગળવાર કે શનિવાર સહિતના અઠવાડિયાના બધા દિવસો કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. જેથી શનિવાર શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિને સૌથી ધીમી ગતિવાળો ગ્રહ માનવામાં આવે છે. તેઓ અઢી વર્ષ સુધી કોઈ રાશિમાં રહે છે. શનિદેવ કર્મના દેવ છે અને જાતકને તેમના કર્મ મુજબ ફળ આપે છે.
શનિ દેવનો ક્રોધ જાતકના જીવનમાં અસહ્ય મુશ્કેલીઓ લાવી શકે છે. તેમનો ક્રોધ હોય તો શનિ મહાદશા, સાડાસાતી જેવી તકલીફોનો સામનો પણ કરવો પડે છે. આ દરમિયાન જાતકોને શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ સતાવે છે.
જેથી શનિદેવના મંદિરમાં જતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમોનું પાલન કરવાથી તેઓ જાતક પર કૃપા કરે છે. જેથી કોઈ વ્યક્તિ પર શનિદેવની દ્રષ્ટિ શુભ હોય તો તેને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સુખ-સમૃદ્ધિનું વરદાન મળે છે
શનિદેવની વિધિવત પૂજા અર્ચના કરવાથી સાડાસાતી, મહાદશા જેવી તકલીફોમાં રાહત મળે છે. દર શનિવારે શનિ મંદિરમાં દર્શન કરી સરસિયાનું તેલ ચઢાવી, દીવો પ્રગટાવવાથી તેમની કૃપા વરસે છે. જોકે, ભક્તો ક્યારે શનિદેવને ક્રોધિત કરી દેતી ભૂલો કરી બેસે છે. ત્યારે અહીં શનિદેવની પૂજા કરતી વખતે કઈ વાત ધ્યાનમાં રાખવી તે અંગે જાણકારી આપવામાં આવી છે.
મંદિરની બહારથી તેલ ખરીદવું: શનિદેવને તેલ ચઢાવવું અને તેમની સમક્ષ દીવો પ્રગટાવવો શુભ ગણાય છે. જોકે, ઘણા લોકો મંદિરની બહારથી દીવા અને તેલ ખરીદે છે. જે મોટી ભૂલ ગણાય છે. શાસ્ત્રો મુજબ, તેને સારું માનવામાં આવતું નથી. હંમેશા એક દિવસ પહેલાં શુક્રવારે સરસિયાનું તેલ ખરીદો અને પછી શનિવારે તેને ચઢાવવું જોઈએ. માનવામાં આવે છે કે ઘરમાં પણ શનિનો પ્રભાવ પડતો હોય છે. તમે ઘરમાંથી કોઈ વસ્તુ લઈને શનિદેવને અર્પિત કરી શકો છો. જેનાથી ઘરમાં પણ સકારાત્મક અસર જોવા મળશે. આમ કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
શનિદેવની મૂર્તિને જોવી: શાસ્ત્રો અનુસાર, શનિદેવની નજર કોઈ વ્યક્તિ પર પડે તો તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે. તેથી શનિદેવના દર્શન કરતી વખતે તેમનું મોઢું ક્યારેય ન જોવું જોઈએ. હંમેશા આંખો નમાવીને જ શનિદેવની પૂજા કરવી જોઈએ. આ સાથે જ હંમેશા જમીન તરફ માથું રાખીને બેસીને નમન કરવું જોઈએ. આવું કરવાથી તેમના ક્રોધનો સામનો કરવો પડતો નથી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)