ગુજરાતી પંચાંગ અનુસાર જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને યોગિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ઉદય તિથિ અનુસાર આ એકાદશીનું વ્રત આ વખતે 14 જૂન, 2023, બુધવારના રોજ રાખવામાં આવશે. યોગિની એકાદશીનું વ્રત એ વ્યક્તિને અનેક પ્રકારના પાપકર્મમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારું મનાય છે.
ત્યારે આવો જાણીએ કે આ વ્રતની ફળદાયી વિધિ શું છે ? અને આ દિવસે કયા ઉપાયો અજમાવીને આપ આર્થિક લાભની પ્રાપ્તિ કરી શકો છો ?
વ્રતની ફળદાયી વિધિ
⦁ યોગિની એકાદશીના અવસરે શક્ય હોય તો સૂર્યોદય પૂર્વે જ ઉઠી જવું.
⦁ સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા. કારણ કે, પીળો રંગ શ્રીહરિને અત્યંત પ્રિય મનાય છે.
⦁ ઘરના પૂજા સ્થાન સન્મુખ બેસીને યોગિની એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો.
⦁ આસ્થા સાથે શ્રીવિષ્ણુની પૂજા કરવી. એકાદશીની પૂજામાં શ્રીવિષ્ણુને પંચામૃત, પીળા રંગના પુષ્પ, પીળા રંગની મીઠાઈ તેમજ તુલસીદળ જરૂરથી અર્પણ કરવા.
⦁ ઓછામાં ઓછો 108 વખત “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો.
⦁ વ્રત કરનારે આ દિવસે જળ અને ફળ જ ગ્રહણ કરવા. ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એકટાણું કરવું. પરંતુ, ભોજનમાં ભૂલથી પણ ચોખાની વાનગી ન જ લેવી. એ જ રીતે તામસી પદાર્થોથી પણ દૂર રહેવું.
⦁ યોગિની એકાદશીના અવસરે કોઈ જરૂરિયાતમંદને અનાજ, વસ્ત્ર કે ચંપલનું દાન કરવું ફળદાયી મનાય છે.
⦁ શક્ય હોય તો એકાદશીએ રાત્રે શ્રીહરિના ભજન-કિર્તન કરતાં જાગરણ કરવું.
⦁ દ્વદાશીએ બ્રાહ્મણોને દાન-દક્ષીણા આપી કે ભોજન કરાવી વ્રતના પારણાં કરવા.
યોગિની એકાદશીનું વ્રત વ્યક્તિના પાપકર્મનો નાશ કરી તેને શુભ ફળ પ્રદાન કરે છે. તો આ દિવસે કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને વ્યક્તિ આર્થિક લાભની પણ પ્રાપ્તિ કરી શકે છે. આવાં જ કેટલાંક ઉપાયો નીચે અનુસાર છે.
આર્થિક સમૃદ્ધિ અર્થે
જેમને ધનની કામના છે, તેવા જાતકોએ યોગિની એકાદશીના અવસરે લક્ષ્મી નારાયણની એકસાથે ઉપાસના કરવી જોઈએ. સવિશેષ તો તેમને કેસર મિશ્રિત જળનો અભિષેક કરવો જોઈએ. માન્યતા અનુસાર આ અભિષેકથી લક્ષ્મી નારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તને આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરે છે.
સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ
ઘણીવાર એવું બને છે કે વ્યક્તિને કમાણી તો ખૂબ થતી હોય છે, પણ, ઘરમાં ધન ટકતું જ નથી હોતું. એટલે કે, અનેક ઉપાય છતાં બચત બિલકુલ પણ નથી થઈ શકતી. આ સંજોગોમાં યોગિની એકાદશીએ એક વિશેષ ઉપાય અજમાવી શકાય છે. આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા સ્થળે 11 ગોમતી ચક્ર મૂકવા. ત્યારબાદ સ્ફટિકની માળાથી લક્ષ્મી મંત્રનો જાપ કરવો. “શ્રી મહાલક્ષ્મ્યૈ શ્રીયેં નમઃ”ની 11 માળા કરવી. ત્યારબાદ આ ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની તિજોરી અથવા તો ધન રાખવાના સ્થાન પર મૂકી દો. માન્યતા અનુસાર આ ઉપાયથી લક્ષ્મીજી ઘરમાં સ્થિર રહે છે. અને ઘરમાં ક્યારેય ધન, ધાન્યની ખોટ નથી વર્તાતી.
દેવામાંથી મુક્તિ અર્થે
જો આપ આર્થિક બોજા નીચે દબાયેલા હોવ, કે આપના પર દેવું થઈ ગયું હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે યોગિની એકાદશીએ એક વિશેષ ઉપાય અજમાવો. આ દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને પીપળા વૃક્ષને જળ અર્પણ કરવું અને ત્યારબાદ વિધિવત્ તેની પૂજા કરવી. કહે છે કે આ ઉપાયથી ધીમે ધીમે આપનો આર્થિક બોજ હળવો થશે. તેમજ આપને દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થશે.
સંકટોના શમન માટે
જો આપ અનેકવિધ સંકટો કે પરેશાનીઓથી ઘેરાયેલા હોવ તો યોગિની એકાદશીએ આપે માતા તુલસીનું શરણું લેવું જોઈએ. આ દિવસે સંધ્યા સમયે તુલસીના છોડ સન્મુખ ગાયના ઘીનો એક દીપ પ્રજ્વલિત કરવો. ત્યારબાદ તુલસીની 11 વખત પ્રદક્ષિણ કરવી. આ પ્રદક્ષિણા કરતી વખતે “ૐ નમો ભગવતે વાસુદેવાય” અથવા તો “ૐ નમો નારાયણ” મંત્રનું સતત રટણ કરવું. કહે છે કે આ ઉપાય કરવાથી જાતકના જીવનની તમામ સમસ્યાઓ અને સંકટો ટળી જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)