કહેવાય છે કે, ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે અને તેમનું કામકાજ ભગવાન શિવને સોંપે છે. ત્યારબાદ દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે ત્યારે ચાતુર્માસ સમાપ્ત થાય છે.
અષાઢ મહિનાના શુક્લપક્ષની એકાદશી થી ચતુર્માસ શરૂ થવા જઈ રહ્યો છે. આમ તો ચાતુર્માસ 4 મહિનાનો હોય છે.
પરંતુ ચાલુ વર્ષે ચાતુર્માસમાં પાંચ મહિના જોવા મળશે. આ વર્ષે ચાતુર્માસ ક્યારે શરૂ થાય છે અને ત્યારે તેનું સમાપન છે તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
ચાલુ વર્ષે ચાતુર્માસ 5 મહિનાનો શા માટે?
ચાતુર્માસ સામાન્ય રીતે ચાર મહિનાનો હોય છે. પણ ચાલુ વર્ષે પાંચ મહિનાનો રહેશે. ચાતુર્માસની શરૂઆત આગામી 29 જૂનના રોજ થશે. ત્યારબાદ 23 નવેમ્બરના રોજ દેવઊઠની એકાદશીએ ચાતુર્માસનો સમય પૂરો થશે. આ વર્ષ ભગવાન વિષ્ણુ 5 મહિના સુધી યોગ નિદ્રામાં રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે શ્રાવણ સાથે અધિક માસ પણ છે. જેના કારણે શ્રાવણ મહિનો બે મહિનાનો થઈ જશે. પરિણામે ચાતુર્માસમાં પણ એક મહિનો ઉમેરાઈ જશે અને તે પાંચ મહિનાનો થઈ જશે.
માંગલિક કાર્યો નહીં થાય
ચાતુર્માસ દરમિયાન માંગલિક કાર્યો થતા નથી. આ સમયગાળામાં લગ્ન પ્રસંગ, ગૃહ પ્રવેશ, ભૂમિ પૂજન સહિતના શુભ કાર્યો પર રોક લગાવી દેવાય છે. આ સમયગાળા દરમિયાન ગોળ, તેલ, મધ, મૂળો, પરવળ રીંગણા જેવી વસ્તુઓ પણ ખાવામાં આવતી નથી. શાસ્ત્રો મુજબ ચાતુર્માસના સમય દરમિયાન ભગવાન વિષ્ણુને ચઢાવાતી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
બીજી તરફ ચાતુર્માસના સમય દરમિયાન નાળિયેર, કેળા, ચોખા, ઘઉં, દહીં, ગાયનું દૂધ, કેરી, ફણસ, દરિયાઇ મીઠું ખાઈ શકાય છે.
ચાતુર્માસમાં સૂર્ય દક્ષિણાયનમાં બિરાજમાન છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ શયન અવસ્થામાં હોય છે. આવી સ્થિતિમાં ચાતુર્માસ દરમિયાન કરેલા શુભ કાર્યો પર ભગવાન વિષ્ણુની કૃપા થતી નથી. તેથી આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)