શંકર ભગવાનની પૂજા માટે સોમવારનો દિવસ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારે મહાદેવની પૂજા અર્ચના કરવાનું ખૂબ જ મહત્વ છે. આવી જ રીતે માતા પાર્વતીની પૂજા આરાધના માટે શ્રાવણ મહિનાનો મંગળવાર મહત્વ ધરાવે છે. શ્રાવણ મહિનાના દર મંગળવારે મંગળા ગૌરી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત કરવાથી પતિ અને સંતાનોને દીર્ઘાયુ મળે છે.
કુંવારી કન્યાઓ ભગવાન શિવની પૂજા કરે તો ઈચ્છિત વર મળે છે.
મંગળા ગૌરી વ્રત મોટાભાગે પરિણીત મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે. આ વ્રત રાખવાનો હેતુ પતિ અને સંતાનના લાંબા આયુષ્ય સાથે જોડાયેલો છે. આ વર્ષે શ્રાવણ મહિનો 4 જુલાઈથી શરૂ થશે. આ દિવસે મંગળવાર જ છે. તેથી 4 જુલાઈએ વર્ષનું પહેલું મંગળા ગૌરી વ્રત રાખવામાં આવશે. આ વર્ષે શ્રાવણ સાથે અધિક માસ પણ હોવાથી કુલ 9 મંગળા ગૌરી વ્રત રાખવામાં આવશે.
મંગળા ગૌરી વ્રતનું મહત્વ
પરિણીત મહિલાઓ પતિ અને સંતાનોના લાંબા આયુષ્ય માટે મંગળા ગૌરી વ્રત રાખે છે. શ્રાવણ મહિનાના મંગળવારે મંગળા ગૌરીની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી દાંપત્ય જીવન સુખી રહે છે.
કુંવારી કન્યાઓ ઈચ્છિત જીવનસાથી પામવા મટે શંકર ભગવાનની પૂજા કરે છે. જ્યારે અખંડ સૌભાગ્ય પામવા માટે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. જે લોકોના લગ્ન જીવનમાં પડકારો હોય તેઓ મંગળા ગૌરી વ્રત કરે તો રાહત મળે છે.
કઈ રીતે કરવી પૂજા?
આ વ્રત લેવા માટે મંગળવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. ત્યારબાદ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ રીતે ગુલાબી, લીલા કે લાલ વસ્ત્રો પહેરવાનું મહત્વ છે. હવે પૂજા સ્થાનની સાફસફાઇ કરો. ત્યારબાદ ઉત્તર પૂર્વ દેશમાં એક ચોકી પર લાલ કપડું પાથરી તેના પર માતા ગૌરીની તસવીર મૂકો. આ દિવસે પરિણીત મહિલો શૃંગાર કરે તે ખૂબ શુભ માનવામાં આવે છે.
માતા ગૌરીની પૂજા દરમિયાન તેમને લવિંગ, સોપારી, નારિયેળ, ઈલાયચી, મેવા – મીઠાઈ જેવો પ્રસાદ અર્પણ કરો. વ્રત કરવા માટે માતાની વ્રત કથા વાંચો. ત્યારબાદ આરતી કરો. હવે વ્રતનું સમાપન કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)