દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. તેને હરિશયની એકાદશી, પદ્મા એકાદશી અને અષાઢી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. દેવશયની એકાદશીનો અર્થ છે-દેવોના શયનની એકાદશી.
હિન્દુ પંચાંગ અનુસાર, આ વર્ષે 29 જૂન ગુરુવારે સવારે 3.18 વાગ્યાથી એકાદશીની તિથિ શરૂ થઇ રહી છે. જે 30 જૂન શુક્રવારે સવારે 02.42 મિનિટ પર સમાપ્ત થશે. તેવામાં દેવશયની એકાદશીનું વ્રત 29 જૂન ગુરુવારે રાખવામાં આવશે. આ દિવસનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સૃષ્ટિના સંચાલનનો કાર્યભાર શિવજીને સોંપીને યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે. તે બાદ તેઓ ચાર મહિના સુધી યોગ નિંદ્રામાં જ રહે છે. આ જ કારણ છે કે આ દરમિયાન કોઇ માંગલિક કાર્ય નથી થતા. આ દિવસથી ચતુર્માસ પણ શરૂ થઇ જાય છે.
તમને જણાવી દઇએ કે આ દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાંક ઉપાય કરવા ખૂબ જ જરૂરી હોય છે. તેવામાં કેટલીક એવી ભૂલો છે જેને કરવાનું ટાળવું જોઇએ. આમ ન કરવા પર ગંભીર પરિણામ પણ ભોગવવા પડી શકે છે.
જળ ચડાવવાનું ટાળવું: હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં તુલસી હોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. સાથે જ આ દિવસે લક્ષ્મી નિર્જળા વ્રત પણ રાખે છે. તેના પગલે દેવશયની એકાદશીના દિવસે તુલસી પર જળ ચડાવવાનું ટાળવું જોઇએ.
પાન ન તોડો: તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય માનવામાં આવે છે. તેથી મા લક્ષ્મી પણ તુલસીની પૂજા કરે છે. કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા જોઇએ. જો તુલસીના પાનનો ઉપયોગ કરવો જ હોય તો તેના પાન પહેલાથી જ તોડી લેવા જોઇએ.
સ્વચ્છતાનું રાખો ધ્યાન: આમ તો દરરોજ સાફ-સફાઇ જરૂરી છે. પરંતુ દેવશયની એકાદશીના દિવસે તુલસીની આસપાસ ગંદકી ન હોવી જોઇએ. આ ઉપરાંત તુલસીની આસપાસ જૂતા-ચંપલ પણ ન રાખવા જોઇએ. આમ કરવાથી મા લક્ષ્મી નારાજ થઇ જાય છે.
ગંદા હાથે સ્પર્શ ન કરો: તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેના કારણે દેવશયની એકાદશીના દિવસે તુલસીને એંઠા કે ગંદા હાથે સ્પર્શવાની મનાઇ હોય છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઇ જાય છે.
કાળા વસ્ત્ર ધારણ ન કરો: દેવશયની એકાદશીના દિવસે તુલસીની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેથી એવા ઘણા ઉપાય છે, જેને જરૂર અપનાવવા જોઇએ. માન્યતા છે કે આ દિવસે કાળા વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવાનું ટાળવું જોઇએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)