ચાલુ વર્ષે શ્રાવણ મહિના સાથે અધિકમાસ પણ આવશે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ છે. તેવી જ રીતે, અધિક માસ એટલે કે પરસોત્તમ મહિનો પણ ધાર્મિક રીતે બહુ મહત્વ ધરાવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની અને પરસોત્તમ મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે અધિકમાસ હોવાના શ્રાવણ મહિનો 2 મહિના જેટલો રહેશે.
પરસોત્તમ મહિનામાં ભગવાન વિષ્ણુની ખાસ ભક્તિ કરવામાં આવે છે. તેઓ પ્રસન્ન થાય તો ભક્તને સુખ અને સંપત્તિ સાથે દીર્ઘાયુ મળતી હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન ચાલુ વર્ષે પરસોત્તમ મહિનામાં ખૂબ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સંયોગ 19 વર્ષ બાદ બનશે. અહીં આ વર્ષે બનનાર દુર્લભ સંયોગ અંગે જાણકારી આપી છે.
19 વર્ષ બાદ અધિકમાસ પર બનશે દુર્લભ સંયોગ
હિન્દુ પંચાંગ મુજબ, ચાલુ વર્ષે અધિકમાસ આગામી 18 જુલાઈના રોજ શરૂ થઈ જશે. જ્યારે અધિક માસનું સમાપન 16 ઓગસ્ટના દિવસે થશે. અગાઉ 2004માં પણ શ્રાવણ મહિના દરમિયાન અધિકમાસ જોવા મળ્યો હતો. તે સમયે પણ અધિકમાસ 18 જુલાઈએ શરૂ થયો હતો અને 16 ઓગસ્ટે પૂરો થયો હતો.
અધિકમાસ એટલે શું?
હિન્દુ ધર્મમાં સૂર્ય અને ચંદ્ર માસ મુજબ મહિનાની ગણતરી થાય છે. ચંદ્ર હોય ત્યારે વર્ષમાં 355 અને સૂર્ય હોય ત્યારે વર્ષમાં 365 દિવસ હોય છે. ચંદ્ર અને સૂર્યના વર્ષ વચ્ચે 10 દિવસનો તફાવત જોવા મળતો હોય છે. આ દરમિયાન 3 વર્ષમાં આ તફાવત 11 દિવસનો થઈ જાય છે. ચાલુ વર્ષે પરસોતમ મહિનો શ્રાવણ મહિનામાં છે. જેના કારણે શ્રાવણ મહિનો બે મહિના જેવડો છે. પરિણામે શ્રાવણ મહિનામાં ભક્તોને ચારના બદલે આઠ સોમવારે મહાદેવની આરાધનાનો લાભ મળશે.
અધિકમાસના કારણે તહેવારો મોડા પડશે
વર્ષમાં અધિકમાસ આવ્યો હોવાના કારણે ચાલુ વર્ષે તહેવારો પણ મોડા આવશે. સામાન્ય રીતે જુલાઈ મહિના પછી તહેવારો અને વ્રત આવતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે તેના કરતાં 15-20 દિવસ જેટલું મોડું થઈ જશે.
ઉદાહરણ તરીકે રક્ષાબંધન 10થી 15 ઓગસ્ટની વચ્ચે આવતી હોય છે, પરંતુ આ વર્ષે તે 31 ઓગસ્ટના દિવસે આવશે. આ ઉપરાંત ગણેશ ઉત્સવ, પિતૃપક્ષ, નવરાત્રી, દશેરા અને દિવાળી સહિતના તહેવારોમાં 15થી 20 દિવસ જેટલું મોડું થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)