ભકતોના કષ્ટ હરનારા હનુમાન દાદા નાના બાળકોને પણ અતિ પ્રિય હોય છે. નાના બાળકોને જ્યારે રાત્રિના સમયે ભય લાગે ત્યારે હનુમાન ચાલીસા સંભળાવવામાં આવે છે. તો ભરૂચ જિલ્લો સહિત નર્મદા જિલ્લામાં હનુમાન દાદાના અનેક મંદિરો આવેલા છે. મોસકુવા ગામે આવેલુંહઠીલા હનુમાનજીનું મંદિર આ મંદિરો પૈકીનું એક છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં મોસકુવા ગામ સ્થિત હઠીલા હનુમાનજીનું મંદિર આવેલું છે.
આજથી 30 વર્ષ પહેલા વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા પરમ પૂજ્ય 1008 સંત નારણદાસ બાપુ દ્વારા જમીન લઈ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
વર્ષ 2001માં નારણદાસબાપુ પ્રયાગરાજ મહાકુંભમાં દેવલોક પામ્યા હતા. તેઓના દેવલોક થયા બાદ ભરતદાસ બાપુએ મંદિર સેવા કાર્ય કર્યા હતા. ત્યારબાદ મંદિર ખાતે હાલ સંતોષદાસ બાપુ સેવા આપી રહ્યા છે.
મોસકુવા ગામમાં આવેલ હઠીલા હનુમાનજી મંદિર સ્થિત પુત્ર પ્રાપ્તિ સહિત ભક્તોની અનેક મનોકામના પૂર્ણ થાય છે. દિન દુખિયારાઓ અહીં આવી હનુમાન દાદાના દર્શન કરે છે. દુખિયારાઓના અહીં દુઃખ હનુમાનજી હરતા હોવાની માનતા રહેલી છે. મંદિર ખાતે સવાર સાંજ આરતી પૂજા કરવામાં આવે છે.
મોસકુવા ગામમાં આવેલ હઠીલા હનુમાનજી મંદિર ખાતે ત્રણ પૂજારી સેવા આપી રહ્યા છે. મંદિર ખાતે હનુમાન જયંતિ, ગુરુપૂર્ણિમા સહિતના દિવસે હવન, પૂજન, ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મંગળવાર અને શનિવારે હનુમાન દાદાના દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળે છે.
મંદિર સ્થિત ગુરુ નારણ બાપુ, ભરતદાસ બાપુની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. નારણદાસ બાપુના 10 હજાર કરતા વધુ શિષ્યો હનુમાન દાદાના દર્શનાર્થે આવે છે. બારડોલી, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા સહિતના દૂર દૂરના સ્થળોએથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)