વિઘ્નહર્તા ગણેશજીની કૃપાથી વ્યક્તિના જીવનમાં કોઇપણ કાર્ય પૂર્ણ કરવામાં અડચણ નથી આવતી. અને જાતકના જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ પણ થાય છે. વિધ્નહર્તા ગણેશજીને પ્રસન્ન કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે સંકટ ચોથ. દર મહિનામાં 2 ચતુર્થી તિથિ આવે છે.
પરંતુ, પૂર્ણિમા બાદ આવનાર ચતુર્થીને સંકટ ચતુર્થી કે સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે.
એટલે કે, દરેક મહિનાના વદ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે 6 જુલાઈ, ગુરુવારના દિવસે સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે.
સંકષ્ટી વ્રતમાં ભગવાન ગણેશ અને ચંદ્રદેવની પૂજા-અર્ચના કરવાનું વિધાન છે. ત્યારે આવો જાણીએ કે આ સંકષ્ટી વ્રત કેવાં કેવાં ફળની પ્રાપ્તિ કરાવનારું છે. અને કયા ઉપાયો થકી મનોકામનાની પૂર્તિ થઈ શકશે.
ફળદાયી સંકષ્ટી ચતુર્થી
અષાઢ વદ ચતુર્થીના દિવસે કરવામાં આવતું સંકષ્ટી વ્રત અત્યંત ફળદાયી મનાય છે. આ દિવસે ચંદ્રદેવના દર્શન કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. ચંદ્રદેવના દર્શન કર્યા બાદ જ ચતુર્થી તિથિનું વ્રત પૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ વ્રત કરવાથી જીવનમાં ચાલી રહેલ દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે અને સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
આ વ્રત કરવાથી જીવનમાં ધન ધાન્યની ક્યારેય અછત નથી રહેતી. જીવનમાં આવેલ બદનામીના યોગ પણ આ વ્રત કરવાથી દૂર થાય છે. તેમજ કાર્યોમાં આવી રહેલ દરેક સમસ્યાઓ પણ આ વ્રતના પ્રભાવથી દૂર થઈ જાય છે. એટલું જ નહીં, ધન અને દેવા સંબંધિત સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે.
સંકષ્ટી ચતુર્થીની પૂજાવિધિ
⦁ સંકષ્ટી ચતુર્થીના અવસરે સવારે ઊઠીને સ્નાન અને ધ્યાન કર્યા બાદ સૂર્યનારાયણને જળ અર્પણ કરો અને પછી હાથમાં અક્ષત અને જળ લઇને વ્રત કરવાનો સંકલ્પ કરો.
⦁ સંકલ્પ લીધા બાદ ઘરના મંદિર પાસે એક બાજઠ મૂકો. તેના પર લાલ રંગનું વસ્ત્ર પાથરીને ગણેશજીની પ્રતિમા કે છબી સ્થાપિત કરો.
⦁ ગંગાજળથી ચારેય તરફ છંટકાવ કર્યા બાદ દેશી ઘીનો દીવો પ્રગટાવો. પછી ગણેશજીને સિંદૂર, ફળ, પુષ્પ, મોદક વગેરે જેવી વસ્તુઓ અર્પણ કરો.
⦁ ગણેશજીને 21 દૂર્વાની ઝૂડી તેમજ ધૂપ-દીપ અર્પણ કરો.
⦁ ગણેશજીની આરતી કર્યા બાદ ગણેશ ચાલીસા કે ગણેશ અથર્વશીર્ષના પાઠ કરો અને ગણેશ મંત્રોનો જાપ કરો.
⦁ સવારે પૂજા કર્યા બાદ સાંજના સમયે ગણેશજીની આરતી ઉતારો અને પછી રાત્રે ચંદ્ર દર્શન કરો.
ગણેશ પૂજા મંત્ર
⦁ ૐ ગં ગણપતયે નમઃ
⦁ વક્રતુંડ મહાકાય, સૂર્ય કોટી સમપ્રભ નિર્વિધ્નં કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા ।
⦁ ૐ નમો હેરમ્બ મદ મોહિત મમ્ સંકટાન નિવારય નિવારય સ્વાહા ।
⦁ ૐ શ્રીં ગં સૌભાગ્ય ગણપતયે, વર્વર્દ સર્વજન્મ મે વષમાન્ય નમઃ ।
⦁ ૐ શ્રીં હ્રીં ક્લીં ગ્લૌં ગં ગણપતયે વર વરદ સર્વજનં મે વશમાનય સ્વાહા ।
સંકષ્ટી ચતુર્થીના ઉપાય
⦁ સંકષ્ટી ચતુર્થી વ્રતના દિવસે ભગવાન ગણેશની સાથે શમી વૃક્ષની પૂજા પણ કરવી જોઇએ. ચતુર્થી તિથિના દિવસે ભગવાન ગણેશની સાથે શમીના વૃક્ષની પૂજા કરવાથી દરિદ્રતા, સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. અને દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે.
⦁ સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ માટે ગણેશ પૂજામાં પહેલા સિંદૂર ગણેશજીને લગાવવું અને પછી તે જ સિંદૂરને પોતાના મસ્તક પર લગાવો. આવું કરવાથી ગણેશજીની કૃપા આપની પર વરસતી રહેશે અને આરોગ્યની પ્રાપ્તિ થશે.
⦁ ધન ધાન્યમાં વૃદ્ધિ માટે ગણેશ પૂજામાં લાલ રંગના વસ્ત્ર કે લાલ ચંદનનો પ્રયોગ કરવો જોઇએ. સાથે જ ભગવાન ગણેશજીને મોદકનો ભોગ અર્પણ કરો અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિને લાલ રંગના વસ્ત્રનું દાન કરો.
⦁ દરેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે 11 દૂર્વા ગણેશજીના ઉદર પર મૂકી દો અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. તેની સાથે જ 108 વાર “ૐ ગં ગણપતયે નમઃ” મંત્રનો જાપ કરો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)