Tuesday, July 8, 2025

અધિક માસમાં મળશે હરિહરની કૃપા! જાણો અધિક શ્રાવણ માસ ક્યારે છે અને તેનું રહસ્ય શું છે?

ગુજરાતી પંચાંગ અનુસાર 18 જુલાઈ, મંગળવારના રોજથી અધિક માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આમ તો, અધિક માસ દર 3 વર્ષે એકવાર આવે છે. પણ, મહત્વની વાત એ છે કે આ વખતનો અધિક માસ એ અધિક શ્રાવણ માસ છે. ત્યારે આવો જાણીએ કે આ અધિક શ્રાવણ માસનું મહત્વ શું છે ? અને તેમાં હરિહરની આરાધનાનો, એટલે કે શ્રીવિષ્ણુ અને શિવજીની આરાધનાનો શા માટે છે સવિશેષ મહિમા ?

અધિક માસ એટલે શું ?

અધિક માસને મલ માસ તેમજ પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ અધિક માસ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વૈદિક પંચાંગની ગણતરી સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણના આધારે થતી હોય છે. એક ચંદ્ર વર્ષ 354 દિવસ જેટલું લાંબું હોય છે. જ્યારે એક સૂર્ય વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે. આ બંન્નેની વચ્ચે પૂરાં 11 દિવસનો અંતરાય પડે છે. 3 વર્ષમાં આ સંખ્યા 33 દિવસ એટલે કે લગભગ 1 માસ જેટલી થઈ જાય છે. ત્યારે આ અસમાનતાને દૂર કરવા માટે જ દર ત્રણ વર્ષે એક અધિક માસ ઉમેરવામાં આવે છે.

કહે છે કે જે મહિનામાં સૂર્યની સંક્રાંતિ નથી થતી તેને જ અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે. જે દર ત્રણ વર્ષે એકવાર બને છે. વાસ્તવમાં ઋતુચક્રની ગણતરી તેમજ ઋતુગત ઉત્સવોની પરંપરા જળવાયેલી રહે તે માટે પણ અધિક માસની ગોઠવણ કરવામાં આવે છે. તો ધાર્મિક દૃષ્ટિએ આ અધિક માસ અત્યંત ફળદાયી મનાય છે.

અધિક માસ ક્યારથી ?

અધિક માસનો પ્રારંભ 18 જુલાઈ, 2023, મંગળવારના રોજ થશે. જે 16 ઓગષ્ટ, 2023 બુધવારના રોજ સમાપ્ત થશે. ઉલ્લેખનિય છે કે ઉત્તર ભારતીય પરંપરામાં માસની ગણતરી 15 દિવસ વહેલી થતી હોય છે. ત્યાં હાલ શ્રાવણના વદ પક્ષનો પ્રારંભ થઈ ગયો છે. પણ, અધિક માસની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં તેની ગણના એક જ પ્રમાણે થાય છે. જે અંતર્ગત ત્યાં શ્રાવણ માસની મધ્યમાં અધિક માસ રહેશે. ત્યારબાદ શ્રાવણના બાકીના 15 દિવસ ઉજવાશે. જ્યારે ગુજરાતમાં 17 ઓગષ્ટના રોજથી નિજ શ્રાવણ માસનો પ્રારંભ થશે.

અધિક શ્રાવણ માસનો સંયોગ !

પ્રચલિત માન્યતા એવી છે કે અધિક માસ દર 3 વર્ષે આવે છે. પણ, વાસ્તવમાં તે 32 મહિના, 16 દિવસ અને 8 કલાકના અંતરાયથી આવતો હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર આ સમયે જે મહિનો પડતો હોય તે પૂર્વે અધિક માસને સ્થાન અપાય છે. જે અંતર્ગત આ વખતે અધિક શ્રાવણ માસનો યોગ સર્જાયો છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે 2 શ્રાવણનો સંયોગ સર્જાયો છે.

હરિહરની આરાધનાનો અવસર !

અધિક માસને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ. પુરુષોત્તમ એટલે સ્વયં શ્રીહરિ નારાયણ. અને તેના નામ પ્રમાણે જ આ અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એટલે કે, અધિક માસમાં શ્રીવિષ્ણુની પૂજા-અર્ચના, ભાગવત પઠનનો મહિમા છે. પરંતુ, આ વખતનો અધિક માસ એ “અધિક શ્રાવણ માસ” છે. અને આ શ્રાવણ માસ એ ભોળાનાથને સમર્પિત છે. લગભગ 19 વર્ષ બાદ આ રીતે બે શ્રાવણનો સંયોગ સર્જાયો છે. એટલે કે આ અધિક માસમાં શ્રીહરિ વિષ્ણુ અને સ્વયં હર એટલે કે મહાદેવની આરાધનાનો મહિમા રહેશે. બંન્નેની આસ્થા સાથે પૂજા-અર્ચના કરી શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધી શકશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles