હિંદુ ધર્મમાં શ્રાવણ માસને સૌથી પવિત્ર મહિનો મનાય છે. ચાલુ વર્ષે 19 વર્ષ બાદ અધિક શ્રાવણ માસ આવ્યો છે.
આમ વર્ષ 2023માં બે શ્રાવણ માસ છે, જે ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ છે. આ વર્ષે પહેલા અધિક શ્રાવણ માસ છે અને ત્યારબાદ શ્રાવણ માસ છે, જે કૃષ્ણ જન્માષ્ટમી સહિતના તહેવારો ઉજવાશે. અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. નોંધનિય છે કે, ઉત્તર ભારતમાં 4 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે અને ગુજરાતમાં હવે 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થશે. જાણો અધિક માસ કોને કહેવાય છે, તે ક્યારે આવે છે, પુરુષોત્તમ માસનું ધાર્મિક મહત્વ અને પૂજાના નીતિ-નિયમો શું છે
અધિક માસ કોને કહેવાય છે?
અંગ્રેજી કેલેન્ડરની જેમ હિંદુ પંચાગમાં પણ વર્ષના 12 મહિના છે. હિંદુ પંચાગમાં ચોક્કસ ઋતુ – તિથિ અનુસાર વાર-તહેવારોની ઉજવણી થાય છે. ઘણી વખત કોઇ મહિનામાં તિથિનો ક્ષય થવાથી એટલે કે તિથિ ઘટી જવાથી દર વર્ષે હિંદુ માસમાં ઋતુ અનુસાર ઉજવાતા તહેવારોના સીઝનમાં ફેરફાર થાય છે.
અંગ્રેજી કેલેન્ડર એટલે કે ગ્રેગોરિયન કેલેંડરમાં જેવી રીતે દર ત્રણ વર્ષે એક લીપ યર આવે છે તેવી જ રીતે હિંદુ પંચાગમાં પણ દર ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે. અધિક માસ એ સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની એક પ્રક્રિયા છે.
અધિક માસ કે પુરુષોત્તમ માસની ગણતરી કેવી રીતે થાય છે
સૌર માસ અને ચંદ્ર માસમાં દર વર્ષે આવતા તફાવતને ઘટાડવા માટે દર 3 વર્ષે એક અધિક માસ આવે છે. જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી એ અધિક માસ હોય છે. તેવી જ રીતે જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે એ ક્ષય માસ કહેવાય છે. સૂર્યની જેમ સંક્રાતિ થાય છે અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત 12 મહિના હોય છે. દરેક ત્રણ વર્ષના અંતર પર એક અધિકમાસ કે પુરુષોત્તમ માસ આવે છે, એટલે કે તેરમો માસ. સૌર વર્ષ 365.2422 દિવસ અને ચંદ્ર વર્ષ 354.327 દિવસનો હોય છે. આવી રીતે બંનેના કેલેંડર વર્ષમાં 10.87 દિવસનો ફરક આવી જાય છે અને ત્રણ વર્ષમાં આ અંતર એક મહિના જેટલું થઈ જાય છે. આ અસમાનતાને દૂર કરવા માટે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો નિયમ બનાવ્યો છે.
અધિક શ્રાવણ 2023 ક્યારે શરૂ થાય છે.
ઉત્તર ભારતના હિન્દી ભાષી રાજ્યોની તુલનાએ ગુજરાતમાં હિંદુ માસ 15 દિવસ મોડા શર થાય છે પરંતુ તિથિ અનુસાર આવતા તહેવારોમાં કોઇ ફેરફાર નથી થયો. ઉતર ભારતના રાજ્યોમાં 4 જુલાઇથી અધિક શ્રાવણ માસ 2023 શરૂ થઇ ગયો છે. તો ગુજરાતમાં 18 જુલાઇથી અધિક શ્વાસ માસ શરૂ થશે અને 16 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. ત્યારબાદ 17 ઓગસ્ટથી મૂળ શ્રાવણ મહિનો શરૂ થશે જે 15 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે. આમ વર્ષ 2023માં કુલ 59 દિવસ શ્રાવણ માસ રહેશે.
અધિક શ્રાવણ માસનું મહત્વ
સામાન્ય રીતે અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે અને તે દરમિયાન ભગવાન વિષ્ણની પૂજા-આરાધના કરવાનું વિઘિ-વિધાન છે. વર્ષ 2023માં અધિક શ્રાવસ માસ છે અને તે ભગવાન શિવને સમર્પિત છે. આમ અધિક શ્રાવણ માસમાં ભક્તો ભગવાન વિષ્ણની સાથે સાથે શિવશંકરની પણ પૂજા-ઉપાસના કરી શકશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)