હિન્દુ પંચાંગ અનુસાર સૂર્ય વર્ષ 365 દિવસોનું હોય છે અને ચંદ્ર વર્ષ 354 દિવસોનું હોય છે. બંને વર્ષમાં આશરે 11 દિવસોનું અંતર હોય છે. આ અંતર દર ત્રીજા વર્ષે લગભગ એક મહિનાનું થઇ જાય છે. આ અંતરને દૂર કરવા માટે દર ત્રીજા વર્ષે મલમાસ કે અધિક માસ લાગે છે. આ ઉપરાંત મલમાસને પુરુષોત્તમ માસના નામે પણ ઓળખવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, અધિકમાસના અધિપતિ ભગવાન વિષ્ણુ છે અને પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે. ભગવાન વિષ્ણુએ જ રામના રૂપે રાક્ષસોનો નાશ કરવા માટે ધરતી પર જન્મ લીધો હતો. આ ઉપરાંત ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામ કહેવામાં આવે છે. મલમાસ અધિક માસ અને પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. કદાચ આ જ કારણ છે કે આ માસને પુરુષોત્તમ માસના નામે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક પુરાણોમાં તેને લઇને ઘણી કથાઓ પ્રચલિત છે.
પ્રાર્થના કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા
પૌરાણિક કથાઓ અનુસાર મલમાસ હોવાના કારણે કોઇપણ આ માસના સ્વામી બનવા તૈયાર ન હતું. ત્યારે ભગવાન વિષ્ણુને સમસ્ત દેવી-દેવતાઓએ તેમના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. પ્રાર્થના કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમણે પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ પ્રદાન કર્યુ. આ ઉપરાંત ભગવાન વિષ્ણુએ આશીર્વાદ આપ્યા કે જે પણ આ માસમાં કથા મનન ભગવાન શંકરની વિધિ-વિધાન પૂર્વક પૂજા-આરાધના અને ધાર્મિક અનુષ્ઠાન કરશે તેને પુણ્યફળની પ્રાપ્તિ થશે.
શ્રીમદ ભગવત કથા માટે સૌથી પવિત્ર
પુરુષોત્તમ માસનો મહિનો પૂજા-પાઠ અને શ્રીમદ ભગવત કથા માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી હરિ જગતપતિ વિષ્ણુની ભક્તિ કરવામાં આવે છે. તેમની ઉપાસના કરવામાં આવે છે.
જો જાતક વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરે તો તેને અનેકગણા ફળની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસ સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)