ભગવાન વિષ્ણુને અધિકમાસના અધિપતિ દેવતા માનવામાં આવે છે એટલે આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. 18 જુલાઇથી શરૂ થયેલ અધિકમાસને અધિક શ્રાવણ માસ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે અધિક માસના અધિપતિ દેવતાની વાત આવે તો કોઇપણ દેવતા તેના માટે તૈયાર ન થયા, ત્યારે ભગવાન વિષ્ણુને આ માસના અધિપતિ દેવતાનું સ્થાન અપાયું. તેમને પુરુષોત્તમ પણ કહે છે.
એટલે આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. આ મહિના દરમ્યાન તમે સરળ એવા જ્યોતિષ ઉપાયો અજમાવીને ધન સંપત્તિની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાની પ્રાપ્તિ કરી શકો છે. સાથે જ જીવનના અંતિમ સમયમાં આપને મોક્ષની પ્રાપ્તિ પણ થશે.
અધિક માસના સરળ ઉપાયો
વિષ્ણુ મંત્રનો જાપ
અધિકમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન જણાવ્યું છે આ કારણે જ ભગવાન વિષ્ણુનો મંત્ર ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ‘ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ ફળદાયી રહેશે. આ મંત્રનો જાપ તુલસીની માળાથી કરી શકાય છે. નિત્ય સ્નાન કર્યા બાદ આ મંત્રનો જાપ કરવો. તેનાથી આપની તમામ મનોકામનાની પૂર્તિ થાય છે. વિષ્ણુ કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
લક્ષ્મી નારાયણની પૂજા
સંપૂર્ણ અધિકમાસ દરમ્યાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે જ પૂજા કરવી જોઇએ. ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવો અને તેમને ભોગમાં તુલસી પત્ર અવશ્ય અર્પણ કરો. ઘીનો દીવો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સમક્ષ અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને માતા લક્ષ્મીની આરતી કરો. તેનાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. આપના જીવનમાં ધનની અછત દૂર થશે, આપના ઘરમાં સુખ,સમૃદ્ધિ અને વૈભવના ભંડાર ભર્યા રહેશે.
તુલસી પૂજા
જે રીતે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બિલીપત્ર હોય છે તેવી જ રીતે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય હોય છે, એટલે તેમની પૂજામાં તુલસીના પર્ણ અવશ્ય રાખવા જોઇએ. આ મહિનામાં નિત્ય તમારે તુલસીની પૂજા કરવી જોઇએ. કાચા દૂધ અને પાણીથી તુલસીના છોડનું સીંચન કરવું અને પરિક્રમા કરવી જોઇએ. તેમને ગાયના શુદ્ધ ઘીનો દીવો અર્પણ કરવો જોઇએ. આ દીપદાન સાંજના સમયે કરવું જોઇએ. તેનાથી આપના ઘરમાં સુખ અને શાંતિનો વાસ થાય છે.તેમજ પરિવારની પ્રગતિ પણ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)