અધિકમાસમાં ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ મહત્વ છે. એટલે જ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાની પ્રાપ્તિ અર્થે તુલસીના છોડ સાથે જોડાયેલ કેટલાક ઉપાયો કરવા શુભ માનવામાં આવે છે. અધિકમાસમાં ભગવાન વિષ્ણુની સાથે તુલસી માતાની આરાધના કરવાથી આપની પર લક્ષ્મીનારાયણના આશીર્વાદ વરસે છે.
હિન્દુ ધર્મમાં અધિકમાસનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે. આ માસ દરમ્યાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં નથી આવતા.
પરંતુ આ માસ દરમ્યાન પૂજા વિધિ કરવી ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. આ સમગ્ર મહિનો ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે.
શ્રીહરિ વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. ભગવાન વિષ્ણુની પૂજા દરમ્યાન તુલસીના પાનનો ઉપયોગ કરવો ખૂબ લાભદાયી માનવામાં આવે છે. તુલસીના છોડ અને તેના પાન સાથે જોડાયેલ કેટલાક ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે સાથે સાથે માતા લક્ષ્મીના આશીર્વાદની પ્રાપ્તિ પણ થાય છે. પરિણામે આપના ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરમાં સુખ-શાંતિ જળવાઇ રહે છે. અન્નના ભંડાર અખૂટ રહે છે. આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
વિષ્ણુકૃપા પ્રાપ્તિ અર્થે
સ્નાન કરવાના જળમાં તુલસીદળનો ઉપયોગ કરવો. અધિકમાસ દરમ્યાન નહાવાના પાણીમાં તુલસીદળ ઉમેરવા જોઇએ. માન્યતા એવી છે કે આ રીતે સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા વરસતી રહે છે.
સુખ-સમૃદ્ધિ અર્થે
અધિકમાસ દરમ્યાન તુલસીના છોડની પૂજા કરીને તેને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી જોઇએ. આ ઉપાય અજમાવવાથી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી.
સકારાત્મક ઊર્જા અર્થે
અધિક માસ દરમ્યાન નિયમિત રીતે સાંજે તુલસીના છોડમાં ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુખ-શાંતિનું વાતાવરણ જળવાઇ રહે છે.
કષ્ટ નિવારણ અર્થે
અધિકમાસ દરમ્યાન નિત્ય સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને તુલસીને જળ અર્પણ કરવું જોઇએ. આ ઉપાય કરવાથી ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. કષ્ટોનો નાશ થાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે રવિવાર અને એકાદશીના દિવસે તુલસીમાં જળ અર્પણ ન કરવું જોઇએ.
તુલસીદળનું સેવન કરવું
અધિકમાસમાં તુલસીની પૂજા કરવાની સાથે તુલસીદળનું સેવન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ઉપાય કરવાથી અનેક ચંદ્રાયણ વ્રત સમાન ફળની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)