અધિક શ્રાવણના બીજા સોમવારે ભગવાન શિવજીની પૂજા કરવાનો વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં શિવજીનો પ્રિય દિવસ સોમવાર માનવામાં આવે છે અને અધિક શ્રાવણમાં આવનાર સોમવારનું મહત્વ ખાસ વધી જાય છે. ભગવાન શિવને કલ્યાણના દેવતા માનવામાં આવે છે. તે અત્યંત જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે અને ખૂબ જ સરળ છે.
શિવજીની સાધના કોઈપણ પ્રકારના રોગ અને શોકને દૂર કરનાર છે.
જીવન સાથે જોડાયેલ દરેક પ્રકારના સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા માટે શિવ સાધના કરવી ખૂબ આવશ્યક છે. માન્યતા એવી છે કે જીવનની કોઈપણ સમસ્યા કે મોટામાં મોટું સંકટ પણ શિવજીની આરાધનાથી ટાળી શકાય છે. તો ચાલો જાણીએ શિવકૃપા પ્રાપ્તિ માટે શિવપૂજાના સરળ ઉપાયો વિશે.
શિવપૂજા
ભગવાન શિવની જ્યારે પણ પૂજા કરવામાં આવે ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આ સમયે આપનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહેલું હોવું જોઈએ. શિવજીની પૂજામાં તેમને પ્રિય હોય તેવી વસ્તુઓ જેમ કે સફેદ પુષ્પ, ધતૂરો, બિલીપત્ર ખાસ અર્પણ કરવા. ભગવાન શિવની પૂજામાં નાગકેસર, મધુમાલતી, ચંપો, ચમેલી, જૂહી, કેતકી, કેવડાના પુષ્પ ભૂલથી પણ અર્પણ ન કરવા. આ પુષ્પો શિવપૂજામાં વર્જિત માનવામાં આવે છે.
બિલીપત્ર
ભગવાન શિવની પૂજામાં બિલીપત્ર અર્પણ કરતા પહેલા તેની ડાળી અને મોટો ભાગ તોડી લેવો જેને વજ્ર કહે છે. તેને અવશ્ય દૂર કરવો, બિલીપત્રને હંમેશા ઊંધુ જ અર્પણ કરવું જોઇએ, બિલીપત્ર ક્યારેય તૂટેલુ કે ખંડિત ન હોવું જોઇએ.
રુદ્રાક્ષની માળા
ભગવાન શિવની સાધનામાં મત્ર જાપનું ખૂબ મહત્વ છે. જો આપ ભગવાન શિવના પંચાક્ષર કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો છો તો આ મંત્રનો જાપ હંમેશા રુદ્રાક્ષની માળાથી જ કરવો જોઇએ.
પરિક્રમા
શિવલિંગની પૂજા દરમ્યાન તેમની પરિક્રમા ન કરવી જોઇએ. ધાર્મિક માન્યતા અનુસાર શિવલિંગમાં અર્પણ કરેલ જળ જ્યાંથી પસાર થાય છે તેને ક્યારેય ઓળંગવામાં નથી આવતું. એટલે અડધી પરિક્રમા કરીને ત્યાથી પાછા વળીને પરિક્રમા પૂરી કરવી.
મહામૃત્યુંજય મંત્રના જાપ
બિમાર વ્યક્તિએ સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મેળવવા માટે શિવસાધના કરવી ખૂબ આવશ્યક છે. એવામાં આપ બિમાર વ્યક્તિના સારા સ્વાસ્થ્યની કામના માટે શિવપૂજાના સરળ ઉપાયો અજમાવી શકો છો. જીવન સાથે જોડાયેલ દરેક પ્રકારના રોગ-શોકને દૂર કરવા માટે શિવજીને કાચા દૂધની સાથે ગંગાજળ મિક્સ કરીને તેના વડે અભિષેક કરવો અને તે દરમ્યાન મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઇએ.
સ્ફટિકનું શિવલિંગ
જો આપને આર્થિક સમસ્યા સતાવી રહી હોય અને સખત પરિશ્રમ છતાં પણ તમને નાણાંની અછતનો સામનો કરવો પડતો હોય તો આપે શિવજીની સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે સ્ફટિકના શિવલિંગની પૂજા આરાધના કરવી જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)