ભારતીય સંસ્કૃતિમાં સનાતન ધર્મમાં હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર તેત્રીસ કોટી દેવી દેવતાઓમાં ભગવાન શિવને દેવાધિદેવ મહાદેવની વિશેષ ઉપમા આપવામાં આવી છે. ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે શિવપુરાણમાં વિવિધ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અધિક શ્રાવણના સોમવારનું વ્રત પ્રમુખ માનવામાં આવે છે.
આ વર્ષે બે શ્રાવણના કારણે 8 સોમવારના વ્રતનો યોગ સર્જાયો છે.
આ સોમવારનું વ્રત કરવાથી આપને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અધિક શ્રાવણ માસનો બીજો સોમવાર 31 જુલાઈએ આવી રહ્યો છે. અધિક શ્રાવણના કારણે શ્રીપુરુષોત્તમ ભગવાનના દર્શન પૂજનનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે તેમને 33 માલપુઆનો ભોગ અર્પણ કરવાનું વિધાન જણાવ્યું છે.
પાર્થિવ શિવલિંગ પૂજા
આ મહિનામાં સ્વચ્છ માટી અને ગંગાજળથી નિર્મિત પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરીને તેની વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. જો કે શિવજીની પૂજા તો ગમે તે દિવસે કરી શકાય છે. આ દિવસોમાં શિવાલયમાં નિયમિત રીતે દર્શન પૂજન કરવાનો લાભ પણ મળતો રહે છે. પરંતુ સોમવાર અને એ પણ અધિક શ્રાવણના સોમવારે કરવામાં આવેલ શિવપૂજા વિશેષ રીતે ફળદાયી બને છે.
શિવપૂજા વિધિ
⦁ બ્રહ્મમૂહુર્તમાં ઉઠીને સ્નાનદિ કાર્યથી નિવૃત્ત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને પોતાના આરાધ્ય દેવી દેવતાનું પૂજન અર્ચન કરવું જોઇએ.
⦁ ત્યારબાદ જમણા હાથમાં જળ, પુષ્પ, ફળ, ગંધ અને કુશ લઇને વ્રતનો સંકલ્પ કરવો જોઇએ.
⦁ સમગ્ર દિવસ ઉપવાસ રાખીને સાંજના સમયે ફરી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.
⦁ ત્યારબાદ પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ સ્થાન ગ્રહણ કરીને શિવજીની વિશેષ વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઇએ.
⦁ ભગવાન શિવજીનો અભિષેક કરીને તેમને વસ્ત્ર, યજ્ઞોપવીત, આભૂષણ, સુગંધિત દ્રવ્યની સાથે બિલીપત્ર, કરેણ, ધતુરો, નૈવેદ્ય અર્પણ કરો.
⦁ આ વસ્તુ અર્પણ કરીને શિવલિંગનો શણગાર કરવો.
⦁ ત્યારબાદ ધૂપ-દીપ પ્રજવલિત કરીને આરતી કરવી જોઇએ.
⦁ પંચોપચાર, દશોપચાર અથવા ષોડ્શોપચાર પૂજા અર્ચના કરવી જોઇએ.
⦁ ધાર્મિક પરંપરા અનુસાર માતા પાર્વતીજીની પણ પૂજા અર્ચના કરવાનું વિધાન જણાવ્યું છે.
⦁ શિવભક્ત પોતાના મસ્તક પર ભસ્મનું તિલક કરીને શિવજીની પૂજા કરે છે તો તેમને શીઘ્ર પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)