આ વર્ષનો શ્રાવણ મહિનો ખાસ છે કારણ કે તેમાં અધિકમાસ પણ છે. અધિકમાસની શરૂઆત 18 જુલાઇ 2023થી થઇ છે, જે 16 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે. શ્રાવણ માસના શુક્લપક્ષની પૂર્ણિમા તિથિ પર અધિક પૂર્ણિમા વ્રત રાખવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે. આ દિવસે પવિત્ર નદૂમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.
ધાર્મિક માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે જપ-તપ અને દાન કરે છે, તેમને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વર્ષે 1 ઓગસ્ટ 2023ના રોજ શ્રાવણ અધિક પૂર્ણિમા આવી રહી છે.
શ્રાવણ અધિક પૂર્ણમા વ્રત તિથિ 2023
હિન્દુ પંચાંગમાં જણાવવામાં આવ્યું છે કે, શ્રાવણ અધિક માસમાં શુક્લ પક્ષની તિથિ 1 ઓગસ્ટ 2023ની સવારે 3.51 વાગ્યાથી પ્રારંભ થઇ રહી છે. જેનું સમાપન બીજા દિવસે એટલે કે 2 ઓગસ્ટ 2023ની મધ્ય રાત્રીએ 12 વાગ્યે થશે. ઉદયા તિથિ અનુસાર, વ્રત 1 ઓગસ્ટ 2023, મંગળવારના રોજ રાખવામાં આવશે.
શ્રાવણ અધિક પૂર્ણિમા 2023 પર કરો આ પ્રભાવશાળી ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે ઇચ્છતા હોવ કે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ રહે, તો તેના માટે શ્રાવણ અધિક માસની પૂર્ણિમા તિથિ પર વ્રત કરો અને પીપળાના વૃક્ષ પર જળ ચડાવીને ઘીનો દીવો જરૂર પ્રગટાવો.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, પૂર્ણિમા વ્રતમાં ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીની આરાધનાનું મહત્વ માનવામાં આવ્યું છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂર કરવો જોઇએ.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકોના દાંપત્ય જીવનમાં સમસ્યાઓ આવી રહી છે, તેમણે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને દૂધથી અર્ધ્ય આપવું જોઇએ. આ ઉપાયથી દાંપત્ય જીવનમાં મીઠાસ રહેશે અને પતિ-પત્ની વચ્ચે મધુરતા વધશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે યુવક-યુવતીના લગ્નમાં અડચણ આવી રહી છે, તેમણે પૂર્ણિમાના દિવસે માતા ગૌરીને 16 શણગાર અર્પિત કરવા જોઇએ અને સમગ્ર વિધિ-વિધાનથી તેમની ઉપાસના કરવી જોઇએ. આ ઉપાયથી લગ્નમાં આવતી અડચણો દૂર થઇ શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)