અધિકામાસની પરમા અગિયારસ ધન સંકટ દૂર કરનારી માનવામાં આવે છે. આ વ્રતની અસરથી વિષ્ણુજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને વ્રત કરનારને દુ:ખ અને દરિદ્રતાથી મુક્તિ આપે છે.
આ વર્ષે અધિકામાસના કૃષ્ણ પક્ષની પરમા અગિયારસનું વ્રત 12 ઓગસ્ટ, 2023ના રોજ મનાવવામાં આવશે.
પરમા અગિયારસ એક એવું વ્રત છે જે પરમ સિદ્ધિઓ પ્રદાન કરનારુ વ્રત છે, માન્યતા છે કે, જો કોઈ કારણસર વ્રત ન રાખી શકાય તો માત્ર પરમ અગિયારસની કથા સાંભળવાથી વ્યક્તિની દરિદ્રતા દૂર થઈ જાય છે.
પરમા અગિયારસ કથા
પૌરાણિક કથા અનુસાર, કામ્પિલ્ય નગરીમાં સુમેધા નામના એક ખૂબ જ ધર્મત્મા બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્ની ખૂબ જ પવિત્ર અને પતિવ્રતા હતી. ભૂતકાળના કેટલાક પાપને કારણે આ દંપતી અત્યંત ગરીબીનું જીવન જીવી રહ્યું હતું. પરિસ્થિતિ એવી હતી કે, બ્રાહ્મણને ભીખ માંગવા છતાં પણ ભિક્ષા મળતી ન હતી, પરંતુ બ્રાહ્મણની પત્ની ખૂબ જ દયાળુ અને ધાર્મિક હતી, તે પોતે ઘરે ભૂખી રહેતી હતી પરંતુ તે દરવાજે આવેલા મહેમાનને ભોજન આપતી હતી.
ગરીબી દૂર કરે છે પરમા અગિયારસ વ્રત
એક દિવસ ગરીબીથી દુઃખી થઈને સુમેધાએ પોતાની પત્નીને વિદેશ જવાનો વિચાર સંભળાવ્યો, ત્યારે તેણે કહ્યું, “સ્વામીજી, ધન અને સંતાન પૂર્નજન્મના દાનથી જ મળે છે, તેથી તેની ચિંતા કરશો નહીં.” જેના ભાગ્યમાં હશે તેને અહીં મળશે. પત્નીની સલાહને અનુસરીને બ્રાહ્મણ વિદેશ ગયો નહિ. આ રીતે સમય પસાર થતો રહ્યો. ફરી એકવાર કૌણ્ડિન્ય ઋષિ ત્યાં આવ્યા. બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ પ્રસન્ન મને તેમની સેવા કરી.
કુબેરને મળ્યુ હતુ આ અગિયારસનુ ફળ
દંપતીએ મહર્ષિ પાસેથી ગરીબી દૂર કરવાનો ઉપાય શીખ્યો. ત્યાર બાદ મહર્ષિએ કહ્યું કે, અધિકમાસની પરમ એકાદશીનું વ્રત કરવાથી દુ:ખ, દરિદ્રતા અને પાપકર્મોનો નાશ થાય છે. આ વ્રતમાં નૃત્ય, ગાન વગેરેની સાથે રાત્રિ જાગરણ પણ કરવું જોઈએ. આ એકાદશીનું વ્રત કરવાથી યક્ષરાજ કુબેર ધનધીશ અને હરિશચંદ્ર રાજા બન્યા. ઋષિએ કહ્યું કે પરમ અગિયારસના દિવસથી પંચરાત્રી સુધી એટલે કે પાંચ દિવસ અને રાત સુધી નિર્જળ ઉપવાસ કરનારને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.
આ પછી સુમેધાએ તેની પત્ની સાથે પરમા એકાદશીનું વ્રત કર્યું અને એક દિવસ સવારે અચાનક ક્યાંકથી એક રાજકુમાર ત્યાં આવ્યો અને તેણે સુમેધાને ધન, ભોજન અને તમામ સાધનો આપ્યા. આ વ્રત કરવાથી બ્રાહ્મણ દંપતીના સુખી દિવસો શરૂ થયા.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)