ભગવાન શિવ જેને અનેક નામોથી ઓળખવામાં આવે છે. ભક્ત શિવજીને નીલકંઠ, જટાધારી, આદિનાથ, પાર્વતીના પતિ શિવ શંકર, ત્રિલોકસ્વામી, ત્રિનેત્રધારી જેવા અનેક નામે ઓળખે છે. પરંતુ ભોળેનાથનું એક નામ ત્રિપુરારી પણ છે. જેમ કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે અને વિષ્ણુજી સૃષ્ટિના પાલનહાર છે. તેવી જ રીતે ભગવાન શિવ સૃષ્ટિના સંહારક છે.
શિવજીની રહેણી-કરણી, વેશભૂષા બધુ જ અલગ છે.
આમ તો શિવભક્ત પોતાના ઇષ્ટ સાથે જોડાયેલી દરેક વાત જાણતા હશે પરંતુ કેટલાંક રહસ્યો એવા છે, જેના વિશે ભક્તો આજે પણ નથી જાણતા. આજે અમે તમને કેટલાંક આવા જ રહસ્યો વિશે જણાવીશું. તો ચાલો જાણીએ…
શા કારણે કહેવાયા આદિનાથ?: સૌથી પહેલા શિવજીએ જ ધરતી પર જીવનનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેથી તેમને આદિદેવના નામે ઓળખવામાં આવે છે. શિવજીનું એક નામ આદિશ પણ છે.
ખંડિત શિવલિંગની પણ થાય છે પૂજા: હિન્દુ ધર્મમાં કોઇપણ દેવી-દેવતાની ખંડિત મૂર્તિની પૂજા નથી કરવામાં આવતી. પરંતુ માન્યતાઓ અનુસાર, જો શિવલિંગ ખંડિત થઇ જાય તો પણ તેની પૂજા કરવામાં આવે છે. આવા શિવલિંગની પૂજાથી તમામ મનોકામના પૂરી થાય છે.
અહીં છે શિવજીના પગના નિશાન: માન્યતા છે કે ઝારખંડના રાંચી રેલવે સ્ટેશનથી 7 કિલોમીટર દૂર સ્થિત રાંચી હિલ પર શિવજીના પગના નિશાન છે. તેથી આ સ્થાનને પહાડી બાબા મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે.
શિવજીએ શા કારણે ધારણ કર્યો છે નાગ?: ઘણા લોકો તે વાત નથી જાણતા કે શિવજીના ગળામાં નાગ કેમ છે. તમને જણાવી દઇએ કે શિવજીના ગળામાં રહેલા નાગનું નામ વાસુકિ છે. વાસુકિ શેષનાગ પછી નાગોના બીજા રાજા હતા. વાસુકિના મોટા ભાઇનું નામ શેષનાગ જ છે. શિવજીએ પ્રસન્ન થઇને વાસુકિને ગળામાં ધારણ કરવાનું વરદાન આપ્યું હતું.
ભગવાન શિવના શિષ્ય: ભગવાન શિવના 7 શિષ્ય છે. જેમને પ્રારંભિક સપ્તઋષિ રૂપે માનવામાં આવ્યા છે. આ 7 ઋષિઓએ જ શિવજીના જ્ઞાનનો સમગ્ર ધરતી પર પ્રચાર કર્યો હતો.જેના કારણે અલગ અલગ ધર્મ અને સંસ્કૃતિઓની પણ ઉત્પત્તિ થઇ હતી. ભગવાન શિવે જ ગુરુ અને શિષ્યની પરંપરા શરૂ કરી હતી. શિવજીના 7 શિષ્યોના નામ બૃહસ્પતિ, વિશાલાક્ષ, શુક્ર, સહસ્ત્રાક્ષ, મહેન્દ્ર, પ્રાચેતસ મનુ, ભારદ્વાજ છે. આ ઉપરાંત 8મા ગોરશિરસ મુનિ પણ ભગવાન શિવના શિષ્ય હતા.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)