ગઈકાલ એટલે 17 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. શ્રાવણમાં આવતા તહેવારોથી લઇ દરેક દિવસોનું વિશેષ મહત્વ છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે પુરા મનથી શિવજીની પુરા કરવાથી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. શ્રાવણમાં ભગવાન શિવના આખા પરિવારની પૂજા કરવી ખુબ શુભ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં શિવજી પોતાના પરિવાર સાથે પૃથ્વી પર આવે છે.
શ્રાવણ સોમવાર શિવજી, મંગળા ગૌરી વ્રત દેવી પાર્વતી તેમજ શ્રાવણ વિનાયક ચતુર્થી ગણેશજીને સમર્પિત છે. સાથે સ્કંદ ષષ્ઠી પર કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. સામાન્ય રીતે પુરાણોમાં શિવજીના બે પુત્રોનો જ ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે શિવજીની પાંચ દીકરીઓ પણ હતી. જેનાથી માતા પાર્વતી અજાણ હતા. તો ચાલો જાણીએ આ રહસ્ય અંગે…
ભગવાન શિવની રહસ્યમયી 5 દીકરીઓ
પૌરાણિક કથા અનુસાર એક વખત ભગવાન શિવ અને માતા પાર્વતી સરોવરમાં જળક્રીડા કરી રહ્યા હતા. એ સમયે સંયોગ વશ ભગવાન શિવનું વીર્યસ્ખલન થઇ ગયું. એ દરમિયાન ભોલેનાથે વીર્યને એક પાંદડા પર મૂક્યું. એ જ વીર્યથી 5 કન્યાઓનો જન્મ થયો. આ કન્યાઓ મનુષ્ય નહિ પરંતુ નાગના રૂપમાં જન્મી હતી. એમના નામ જયા, વિષહર, શામિલબારી, દેવ અને દોતલી છે.
માતા પાર્વતી શિવજીની પુત્રીઓથી હતા અજાણ
માતા પાર્વતીને આ વિશે કોઈ માહિતી ન હતી, પરંતુ ભગવાન શિવ ગણેશ અને કાર્તિકેય જેમ જ આ નાગ કન્યાઓ પર પ્રેમ વરસાવે છે. તેઓ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં તળાવ પર જતા અને પાંચ નાગ દીકરીઓને મળતા અને તેમની સાથે રમતા હતા. એક દિવસ માતા પાર્વતીને શંકા થઈ કે શિવ દરરોજ સવારે તેમને કહ્યા વગર ક્યાં જાય છે. એક દિવસ તેઓ શિવને અનુસરીને તળાવ પર પહોંચ્યા અને ત્યાં ભોલેનાથને નાગ દીકરીઓ પ્રત્યે પિતાની જેમ સ્નેહ વરસાવતા જોઈ તેઓ ગુસ્સે થઇ ગયા.
ગુસ્સામાં તેઓ આ પાંચ નાગ દીકરીને મારી નાખવા માંગતા હતા. તેમણે મારવા માટે પગ ઊંચો કર્યો કે તરત જ ભોલેનાથે તેમને રોક્યા અને દીકરીઓના જન્મની આખી વાત કહી. ભોલેનાથે કહ્યું કે જે કોઈ આ સાપ કન્યાઓની પૂજા શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે કરશે, તેમના પરિવારને સર્પદંશનો ભય રહેશે નહીં, ઘર અન્ન અને ધનથી ભરેલું રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)