હિન્દુ ધર્મની માન્યતા મુજબ રવિવાર સૂર્યદેવને સમર્પિત છે. સૂર્યને દેવતા તરીકે પૂજવામાં આવે છે. કહેવાય છે કે, સૂર્ય એકમાત્ર એવા દેવતા છે, જેઓ ભક્તોને દરરોજ સાક્ષાત દર્શન આપે છે. લોકોના જીવન પર સૂર્યની બહોળી અસર પડે છે. આવી સ્થિતિમાં કુંડળીમાં પણ સૂર્યની સ્થિતિ મજબૂત હોય તે જરૂરી છે. સૂર્ય મજબૂત હોય તો જાતક સફળતા મેળવે છે. તેની ખ્યાતિ વધે છે.
બીજી તરફ કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે, સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે દરરોજ સવારે તેમને જળ અર્પણ કરવું જોઈએ.
સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ભાગ્યોદય થાય છે. વ્યક્તિના માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. જે જાતકના લગ્ન ન થતા હોય તે સૂર્યને જળ ચઢાવે તો ઝડપથી લગ્ન થાય છે. વિવિધ કારણોસર લોકો સવારે પૂજા-પાઠ કરીને સૂર્યને જળ અર્પણ કરે છે.
સુર્ય વગર જગત શૂન્ય
આપણા ગ્રામ્ય ક્ષેત્રોમાં ઘરે મહેમાન આવે તો તેને પાણી આપવાની પરંપરા છે. તેને પ્રણામ કરવામાં આવે છે. આ પરંપરા આપણા વડીલો અને ઋષિમુનિઓએ શરૂ કરી હતી. આ જ રીતે આપણે સૂર્યદેવની આરાધના કરવી જોઈએ. સૂર્યદેવ વગર આખું જગત શૂન્ય છે. સૂર્ય ન હોય તો દુનિયામાં અંધકાર છવાઈ જાય. જેથી સૂર્યદેવ સવારે નીકળે અને ઘરમાં આવે ત્યારે એક લોટા પાણીથી તેમનું સન્માન અને પૂજા કરવી જોઈએ. આ પ્રક્રિયાને શાસ્ત્રોમાં અર્ધ્ય તરીકે ઓળખવામાં આવે છે.
અર્ધ્ય આપતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું?
અર્ઘ્ય આપતી વખતે પૂર્વ દિશામાં ઊભા રહેવું જોઈએ. અર્ઘ્ય આપતી વખતે તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરી તેમાં લાલ ચંદન, સફેદ તલ, લાલ ફૂલ, પીળા ચોખા ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ બંને હાથને બને તેટલા ઊંચા કરી માથાની સામેથી અર્ઘ્ય અર્પણ કરો. આમ કરવાથી તમે નીચે પડી રહેલા પાણીમાંથી સૂર્યદેવના દર્શન કરી શકશો.
સૂર્યદેવને જળ અર્પણ કરવાના ફાયદા
સૂર્યદેવને દરરોજ જળ અર્પણ કરવામાં આવે તો તેમાંથી નીકળતો પ્રકાશ અને કિરણ શરીરને નવી ઉર્જા આપે છે. આ ઊર્જાના કારણે આપણું શરીર બીમારીઓ અને બેક્ટેરિયા સામે લડી શકે છે. આ કારણે ભગવાન સૂર્યને દરરોજ જળ અર્પણ કરવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)