શ્રાવણ મહિના દરમિયાન ઠેર ઠેર શિવભક્તિ થઈ રહી છે. શિવાલયોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળે છે. આ મહિનો ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. ઘણા લોકો આખો મહિનો એકટાણું કરે છે. કેટલાક લોકો સોમવારે ઉપવાસ રાખે છે. તેઓ ફરાળમાં વિવિધ વસ્તુઓ લેતા હોય છે. હજી શ્રાવણ મહિનો પૂરો થવાને કેટલાક દિવસો બાકી છે. ત્યારે શ્રાવણ દરમિયાન ઉપવાસ રાખ્યા હોય તો શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
અહીં સુચવેલો ખોરાક લેવાથી ઉપવાસ દરમિયાન તમને નબળાઇ નહીં અનુભવાય. શરીરમાં એનર્જી રહેશે. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામીનનું લેવલ જળવાઈ રહેશે. આ ખોરાકથી લો અથવા હાઈ બ્લડ પ્રેશર, નબળાઇ, માથાનો દુ:ખાવો, થાક અને એસિડિટી જેવી તકલીફો નહીં થાય.
રોસ્ટેડ નટ્સ
ઉપવાસ કરવાથી શરીરમાં નબળાઈ આવી શકે છે આવી સ્થિતિમાં શરીરને એનર્જી મળે તે માટે રોસ્ટેડ નટ્સ સારો વિકલ્પ છે. તમે ડ્રાયફ્રુટ ખાઈ શકો છો. રોસ્ટેડ નટ્સમાં કાજુ, બદામ, કિસમિસ સહિતની વસ્તુ આવરી લેવામાં આવે છે. આવી વસ્તુ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. બજારમાં રોસ્ટેડ નટ્સની ઘણી બધી પ્રોડક્ટ ઉપલબ્ધ છે.
મોરિયો
ઉપવાસ રહ્યા હોય ત્યારે ઘણા લોકો મોરૈયો પણ ખાય છે. આ ખાવાથી શરીરમાં ઊર્જા બરકરાર રહે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે. આ ઉપરાંત મોરૈયો ડાયટિંગ માટે પણ અસરકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી થાક કે નબળાઈ દૂર થઈ શકે છે. મોરૈયાનો ઉપયોગ કરીને ઘણી જાતની વાનગીઓ બનાવવામાં આવે છે.
ફરાળી કૂકીઝ
ફરાળી કૂકીઝમાં રાજગરાનો લોટ, નાળિયેર, ઓર્ગેનિક ગોળનો પાવડર અને ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં વિવિધ બ્રાન્ડની ફરાળી કૂકીઝ મળે છે.
ફરાળી ખાખરા
ઘણા ગુજરાતીઓના ઘરે ખાખરા ખવાતા હોય છે. તમે શ્રાવણ મહિનામાં ઉપવાસ દરમિયાન પણ ખાખરાનો સ્વાદ માણી શકો છો. વર્તમાન સમયે ઘણી જગ્યાએ ફરાળી ખાખરા ઉપલબ્ધ છે.
સાબુદાણાની વાનગીઓ
ઉપવાસ રાખ્યો હોય ત્યારે સાબુદાણાનું સેવન કરી શકાય છે. સાબુદાણાની ખીચડી કે પાપડ સહિતની ઘણી વાનગીઓ ખાઈ શકાય છે. તેમાં મસાલેદાર સ્વાદ હોવાથી ખાવામાં લિજ્જત પણ મળશે. સાબુદાણામાં ભરપૂર પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે. સ્ટાર્ચના કારણે શરીરને ઊર્જા મળે છે.
શ્રાવણ મહિનામાં વ્રત કઈ રીતે કરવું?
શાસ્ત્રો અનુસાર પ્રદોષ કાળ અને નિશિતા કાલ મુહૂર્તમાં શિવ પૂજા કરવી જોઈએ. બીજા દિવસે સૂર્યોદય પછી આખો દિવસ શિવની પૂજા કરીને પારણા કરવા જોઈએ. તે સમયે લસણ-ડુંગળી અને મસાલેદાર ખોરાક જેવી તામસિક ખોરાક ન લેવો જોઈએ.
ઉપવાસમાં શું ખાવું જોઈએ?
શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસમાં તમે ફળો ખાઈ શકો છો. ફળોને વ્રત માટે સૌથી શ્રેષ્ઠ ખોરાક માનવામાં આવે છે. જેથી ઘણા લોકો ફળાહાર કરતા હોય છે. તમે બાફેલા બટેકા ખાઈ શકો છો. જો કે તે વધુ પ્રમાણમાં ન ખાવા જોઈએ.
શ્રાવણ ઉપવાસમાં મીઠું ખાઈ શકાય?
મીઠા વગર ભોજનમાં સ્વાદ આવતો નથી. ભોજન માટે મીઠુ જરૂરી માનવામાં આવે છે. જોકે, ઉપવાસ હોય ત્યારે મીઠું ખાવું જોઈએ નહીં.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)