આ વખતે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી ચાલશે. ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રી પૂરા નવ દિવસ રહેશે. શનિવાર અને મંગળવારે જ્યારે નવરાત્રીનો પ્રારંભ થાય છે ત્યારે માતાની સવારી ખાસ હોય છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.
સનાનત ધર્મમાં નવરાત્રીનો પર્વ ખૂબ જ મહત્વ ધરાવે છે.
આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. તેમાંથી એક ચૈત્ર નવરાત્રી, બીજી શારદીય નવરાત્રી અને બે ગુપ્ત નવરાત્રી હોય છે. નવરાત્રીમાં 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીથી જ શુભ કાર્યોની પણ શરૂઆત થાય છે.
હિન્દુ પંચાંગ અનુસાર, શારદીય નવરાત્રીની શરૂઆત આ વર્ષે 15 ઓક્ટોબરથી થઇ રહી છે, જે 24 ઓક્ટોબર સુધી ચાલશે. ધાર્મિક માન્યતા અનુસાર, શારદીય નવરાત્રીમાં ઘટ સ્થાપના અને નવ દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવાથી સાધકને સુખ-સમૃદ્ધિ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
ઘટ સ્થાપના મુહૂર્ત
ધાર્મિક શાસ્ત્રો અનુસાર, શારદીય નવરાત્રીમાં શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપના કરવામાં આવે છે. ઘટ સ્થાપના નિશ્ચિત સમયમાં ચિત્રા નક્ષત્ર દરમિયાન જ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચિત્રા નક્ષત્ર 14 ઓક્ટોબરે સાંજે 4.24થી શરૂ થઇને 15 ઓક્ટબર સાંજે 6.13 સુધી રહેશે. અભિજિત મુહુર્ત 15 ઓક્ટોબરે સવારે 11.04 વાગ્યાથી લઇને 11.50 વચ્ચે રહેશે.
અશ્વ પર સવાર થઇને આવશે માતાજી
આ વખતે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી રહેશે. ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રી પૂરા નવ દિવસ સુધી રહેશે. શનિવાર અને મંગળવારે જ્યારે નવરાત્રી આરંભ થાય ત્યારે માતાજીની સવારી ઘોડાની હોય છે. શારદીય નવરાત્રીમાં માતા અશ્વ પર સવાર થઇને આવશે. તેમનુ આ સ્વરૂપ સંપૂર્ણ સૃષ્ટિ માટે કલ્યાણકારી છે. નવરાત્રીમાં 9 દિવસ સુધી ભોગ પ્રસાદમાં મિશરી, કિસમિસ, મિષ્ટાન, પાંચ પ્રકારના ફળ સાથે યથાશક્તિ તમે ભોગ ધરાવી શકો છો. આ ઉપરાંત નવરાત્રીમાં 9 દિવસ સુધી માતા ભગવતીના મંત્રોનો જાપ કરવાથી કલ્યાણ થાય છે.
9 દિવસ આ દેવીઓની થશે પૂજા
15 ઓક્ટોબર મા શૈલપુત્રીની પૂજા, 16 ઓક્ટોબરે મા બ્રહ્મચારિણીની પૂજા, 17 ઓક્ટોબરે મા ચંદ્રઘંટાની પૂજા, 18 ઓક્ટોબરે મા કુષ્માંડાની પૂજા, 19 ઓક્ટોબરે મા સ્કંદમાતાની પૂજા, 20 ઓક્ટોબરે મા કાત્યાયનીની પૂજા, 21 ઓક્ટોબરે મા કાલરાત્રિની પૂજા, 22 ઓક્ટોબરે મા સિદ્ધિદાત્રીની પૂજા, 23 ઓક્ટોબરે મા મહાગૌરીની પૂજા અને 24 ઓક્ટોબરે વિજયદશમી ઉજવવામાં આવશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)