દસ દિવસ ચાલતો ગણેશ ચતુર્થી નો ઉત્સવ 19 સપ્ટેમ્બર થી શરૂ થશે. ધાર્મિક માન્યતા અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ નો જન્મ થયો હતો. તેથી આ દિવસથી દસ દિવસ સુધી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. દર વર્ષે દેશભરમાં ભક્તો દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક ઘર અથવા કાર્ય સ્થળ પર ગણપતિ મૂર્તિની સ્થાપના કરે છે. ભગવાનને ઘરમાં બિરાજીત કરવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. દસ દિવસ પછી ભગવાનનું વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવે છે. જો તમે પણ ગણેશમૂર્તિની સ્થાપના કરવા માંગો છો તો તેનાથી સંબંધિત આ નિયમ તમારા માટે જાણવા જરૂરી છે.
કઈ દિશામાં હોવી જોઈએ સૂંઢ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર માટે ગણપતિ ખરીદતા હોય તો હંમેશા ભગવાનની સૂંઢ કઈ દિશામાં છે તે વાતનું ધ્યાન રાખવું. ઘરમાં હંમેશા ડાબી સૂંઢના ગણપતિ લાવવા જોઈએ. આ ગણપતિને વામમુખી ગણેશ કહેવાય છે. ડાબી તરફ ભગવાન ગણપતિની સૂંઢ હોય તે શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.
હંમેશા બેઠેલી મુદ્રા ની મૂર્તિ લેવી
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હંમેશા એવા ગણેશની મૂર્તિ લાવવી જ બેઠેલી મુદ્રામાં હોય. બેઠેલી મુદ્રામાં ગણપતિ ધનનું પ્રતિનિધિત્વ કરે છે અને આવી મૂર્તિ ઘરમાં લાવવાથી બરકત વધે છે.
ગણેશજી સાથે રાખો મૂષક
ભગવાન ગણેશની મૂર્તિ મૂષક વિના ક્યારેય ન લેવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર મૂષક વિનાના ગણપતિની મૂર્તિ રાખવી શુભ ગણાતી નથી. ગણેશજીની સ્થાપના સાથે મૂષકની સ્થાપના પણ કરવી અને પૂજા કરવી.
યોગ્ય દિશામાં કરો સ્થાપના
ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના હંમેશા ઇશાન ખૂણામાં કરવી જોઈએ અને તેમનું મુખ ઉત્તર દિશામાં હોય તે વાતનું ધ્યાન રાખવું.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)