સનાતન ધર્મના જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન શ્રી ગણેશ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના અવસરે તેમના ઘર કૈલાસમાંથી ઉતરીને ધરતી પર વિચરણ કરે છે. આ પ્રસંગે લોકો 10 દિવસ સુધી ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે અને તેમને તેમના ઘરે આવવા માટે આહ્વાન કરે છે. ગણપતિ બાપ્પાના આગમન પછી 10 દિવસ સુધી તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે અને અનંત ચતુર્થી પર તેમને વિદાય આપવામાં આવે છે.
હિન્દુ માન્યતાઓ અનુસાર કોઇપણ શુભ કાર્યમાં સૌથી પહેલા ગણપતિની પૂજા કરવામાં આવે છે. તેથી જ તેમને પ્રથમ પૂજનીય કહેવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા, સુખકર્તા, વિનાયક વગેરે નામોથી પણ બોલાવવામાં આવે છે. હાલ આખા ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારનું અનંત ચતુર્દશીના દિવસે સમાપન થઇ જશે. જણાવી દઇએ જે રીતે કે ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવાના કેટલાંક ચોક્કસ નિયમ હોય છે, એવી જ રીતે તેનું વિસર્જન કરવાના પણ ખાસ નિયમો હોય છે. દરેક વ્યક્તિએ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરતાં પહેલા આ નિયમો જાણી લેવા જોઇએ, જેથી તેમની વિશેષ કૃપા ભક્તો પર બની રહે. ચાલો તમને જણાવીએ કે ભગવાન ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરતાં પહેલા શું-શું કરવું જરૂરી છે અને તેના નિયમો શું છે.
વિસર્જન પહેલા બાપ્પાના હાથમાં જરૂર મૂકો આ પોટલી
અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની પ્રતિમા વિસર્જન કરતાં પહેલા કેટલાંક કામ કરવા જરૂરી હોય છે. જેમ કે બાપ્પાની વિધિ વિધાનથી પૂજા કરવી. તેના માટે સૌથી પહેલા ભગવાન ગણેશને લાલ ચંદન, દૂર્વા, લાલ ફૂલ, લાડુ, પાન, સોપારી અને ધૂપ-દીપ અર્પિત કરી દો. જે બાદ ભક્ત પોતાના સમગ્ર પરિવાર સાથે બાપ્પાની આરતી કરો. વિસર્જન પહેલા આ દિવસે હવન જરૂર કરવો જોઇએ. વિસર્જનના દિવસે બાપ્પા પોતાના ઘરે પાછા જાય છે, તેથી તેમને ખાલી હાથ વિદાય ન આપવી જોઇએ. નિયમ અનુસાર, વિસર્જન પહેલા ભગવાન ગણપતિના હાથમાં એક લાલ રંગની પોટલી જરૂર આપવી જોઇએ. આ પોટલીમાં લાડુ મૂકીને બાપ્પાના હાથમાં મૂકો અને તેમને વિદાય આપો.
વિસર્જન પહેલા બાપ્પાના કાનમાં કહો આ વાત
વિસર્જન દરમિયાન તે વાતનું ધ્યાન રાખો કે જો ભગવાન ગણપતિની પ્રતિમા નાની છે તો તેને ઘરે જ પાણી ભરેલા ટબમાં વિસર્જિત કરી દો. જો પ્રતિમા મોટી હોય તો કોઇ નદી કે તળાવમાં જઇને વિસર્જિત કરો. વિસર્જન પહેલા ગણપતિ મહારાજના કાનમાં આગામી વર્ષે આવવા માટે આમંત્રણ જરૂર આપવું જોઇએ. આવું કરવાથી બાપ્પાના આશીર્વાદ ભક્તો પર રહે છે, સાથે જ આગામી વર્ષે ભક્તોને મળવા ખુશી-ખુશી આવે છે.
ગણેશ વિસર્જન 2023નું શુભ મુહૂર્ત
28મી સપ્ટેમ્બરે સૂર્યોદય બાદ ગણેશ મૂર્તિઓનું વિસર્જન શરૂ થશે. તમે સવારે 10:42 થી બપોરે 03:11 સુધી અને પછી સાંજે 04:41 થી 09:12 વચ્ચે બાપ્પાનું વિસર્જન કરી શકો છો. આ દિવસે, ભક્તો ખુશીથી ગણપતિ બાપ્પાને વિદાય આપે છે અને આવતા વર્ષે ફરીથી આવવાની પ્રાર્થના કરે છે, જેથી જીવનના સંકટ દૂર થાય અને સુખ અને સમૃદ્ધિ આવે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)