હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ નવરાત્રિ આસો મહિનાની શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબર, રવિવારથી શરૂ થઈ રહી છે. નવરાત્રિના આ નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નવરાત્રિ કોઈ તિથીની વધઘટન હોવાનો કારણે પૂરા નવ દિવસની રહેશે, જે 24 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થશે.
શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોત પ્રગટાવવાની સાથે કળશની વિધિવત સ્થાપના કરવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવે છે. જોકે આ માટે કેટલાક નિયમોનુ પાલન કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. જો આ નિયમોનુ પાલન કરવામાં આવે તો માં દુર્ગાના આશિર્વાદ પ્રાપ્ત થાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. તો ચાલો જાણીએ આ નિયમો વિશે.
સૌ પહેલા તો એ જાણવું જરૂરી છે કે અખંડ જ્યોત શું છે. અખંડ જ્યોત બે શબ્દોથી બનેલ છે, જેમાં અખંડનો અર્થ જે ખંડિત ન થનાર થાય છે. તેથી, જો તમે નવ દિવસ અખંડ જ્યોત ન કરી શકતા હોવ તો અષ્ટમી અથવા નવમીના દિવસે પૂજા સમયે પણ 24 કલાક અખંડ દીવો પ્રગટાવી શકાય છે.
કઈ દિશામાં રાખવી જોઈએ અખંડ જ્યોત
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અખંડ જ્યોતની સ્થાપના માટે સૌથી શુભ દિશા દક્ષિણ-પૂર્વ એટલે કે આગ્નિય કોણ માનવામાં આવે છે. જો આ દિશામાં અખંડ જ્યોતની સ્થાપના કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનો વાસ રહે છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખો કે પૂજા સમયે અખંડ જ્યોતિનું મુખ પૂર્વ કે દક્ષિણ તરફ હોવું લાભદાયક છે.
કઈ દિશામાં રાખવી અખંડ જ્યોતની વાટ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, શારદીય નવરાત્રી દરમિયાન અખંડ જ્યોતિની સ્થાપના કઈ દિશામા કરવામાં આવે છે, તેની સાથે તેની વાટ કઈ દિશામાં છે, તેનું પણ ખૂબ મહત્વ છે. આને કારણે તમને શુભ કે અશુભ પરિણામો પ્રાપ્ત થતા હોય છે, તેથી આ બાબતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
જો દીવાની જ્યોત પૂર્વ દિશામાં હોય તો તેનાથી આયુમાં વૃદ્ધિ થાય છે. જો તે પશ્ચિમ દિશામાં હોય તો તે દુ:ખ અને ગરીબી આવે છે. જો તે ઉત્તર દિશામાં હોય તો આર્થિક લાભ મળે છે અને જો અખંડ જ્યોતિની જ્યોત દક્ષિણ દિશામાં હોય તો આર્થિક નુક્શાનનો સામનો કરવો પડે છે.
નવરાત્રીમાં આ મંત્ર સાથે પ્રગટાવો અખંડ જ્યોત
ॐ જયતી મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની
દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોઃ સ્તુતે।।
દીપજ્યોતિઃ પરબ્રહ્મઃ દીપજ્યોતિ જનાર્દનઃ
દીપોહરતિમે પાપં સંધ્યાદીપં નમોસ્તુતે।
શુભં કરોતિ કલ્યાણમ્ આરોગ્યમ્ ધનસંપદા।
શત્રુબુદ્ધિવિનાશાય દીપકાય નમોસ્તુતે।।
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)