દિવાળી ખુશીઓનો તહેવાર છે. આ તહેવાર પર નવી વસ્તુઓની ખરીદી કરવાનું ઘણું મહત્ત્વ હોય છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થઈ જાય છે. આ પાંચ દિવસ દરમિયાન ખરીદીનું ખૂબ મહત્ત્વ હોય છે. જેથી લોકો સોનું-ચાંદી અથવા નવું વ્હીકલ ખરીદતા હોય છે. જોકે આવી ખરીદીની સાથોસાથ તમે સાવરણી સાથેનો એક ટોટકો પણ કરી શકો છો.
જેનાથી મા લક્ષ્મી તમારૂં ભાગ્ય બદલી શકે છે.
સાવરણીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે ઘરમાં સોનું-ચાંદી ખરીદીએ કે ન ખરીદીએ, પરંતુ એક નવી સાવરણી ખરીદીને અવશ્ય લાવવી જોઈએ. પરંતુ આ દિવસે ભૂલેચૂકે પણ જૂની સાવરણીને બહાર ફેંકવી ન જોઈએ. જૂની સાવરણીને અમાસની રાત્રી પૂરી થયાના પ્રથમ પહોરમાં ફેંકી દેવી જોઈએ.
આ રીતે ગરીબી થશે દૂર
દિવાળીની રાત્રી બાદના પહેલા પહોરમાં મહિલાઓ દરિદ્ધતાને ઘરની બહાર ફેંકી દે છે. જેની માટે તેઓ વાંસની લાકડી અને ઘરમાં પડી રહેલું જૂનું માટલું ખખડાવી મા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને બહાર કાઢે છે. આ સમયે ઘરમાં પડી રહેલી જૂની સાવરણી પણ બહાર ફેંકી દેવી જોઈએ. આવું કરવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે તથા ગરીબી દૂર થાય છે. આ ઉપરાંત, ધનતેરસથી દિવાળી સુધી આ જૂની સાવરણી પર કોઈની નજર ન પડે એવી જગ્યાએ સંતાડી દેવી જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)