હિંદુ કેલેન્ડર મુજબ મોક્ષદા એકાદશી માગશર મહિનામાં શુક્લ પક્ષ દરમિયાન એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરી ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ લગભગ નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં મોક્ષદા એકાદશી આવે છે. મોક્ષદા એકાદશી હિન્દુઓ માટે ખાસ કરીને વૈષ્ણવો અથવા ભગવાન વિષ્ણુના ઉપાસકો માટે શુભ દિવસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી કૃષ્ણએ પવિત્ર ભગવદ ગીતાનું પઠન કર્યું હતું.
આ એકાદશીને ગીતા જયંતિ પણ કહે છે.
મોક્ષદા એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી તેના નામ પ્રમાણે મોક્ષ આપનારી માનવામાં આવે છે. મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે અને પિતૃઓને પણ તેના દ્વારા મોક્ષ મળે છે. મોક્ષદા એકાદશી ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ વર્ષે મોક્ષદા એકાદશીની તિથિને લઈને મૂંઝવણ છે. મોક્ષદા એકાદશીની ચોક્કસ તારીખ, સમય અને મહત્વ જાણવું જરૂરી છે.
વર્ષ 2023ની છેલ્લી મોક્ષદા એકાદશી 22 અને 23 ડિસેમ્બરે બે દિવસ માટે ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, માગશર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી તિથિ 22 ડિસેમ્બર 2023ના રોજ સવારે 08:16 વાગ્યે શરૂ થશે અને 23 ડિસેમ્બર 2023ના રોજ સવારે 07:11 વાગ્યે સમાપ્ત થશે.
22 ડિસેમ્બર 2023 ના રોજ મોક્ષદા એકાદશીનો ઉપવાસ કરનારા લોકોએ 23 ડિસેમ્બર 2023ના રોજ બપોરે 01:22 થી 03:25 વાગ્યાની વચ્ચે પારણા કરી લેવા. જ્યારે વૈષ્ણવ સંપ્રદાયના લોકો 24 ડિસેમ્બરે સવારે 07:10 થી 09:14 વચ્ચે મોક્ષદા એકાદશીના પારણા કરી શકે છે.
મોક્ષદા એકાદશી વ્રતનો લાભ
- પવિત્ર ગ્રંથો અનુસાર મોક્ષદા એકાદશીનું વ્રત રાખવાથી પરમાત્માના આશીર્વાદ મળી શકે છે.
- વ્યક્તિના પાપોને દૂર કરે છે અને શરીર, મન અને આત્માને શુદ્ધ કરે છે.
- તમારા અને તમારા પૂર્વજો માટે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકો છો.
- અશ્વમેધ યજ્ઞ કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય.
- વિષ્ણુ પુરાણ અનુસાર, મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી વર્ષની અન્ય 23 એકાદશીઓનું વ્રત કરવા જેટલો લાભ 1 એકાદશીથી મળે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)