માર્ગશીર્ષ મહિનો હિન્દુ કેલેન્ડરનો નવમો મહિનો હોય છે. આ મહિનામાં આવતી પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોય છે. જેને માર્ગશીર્ષ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને તપનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે માર્ગશીર્ષ પૂર્ણિમા 26 ડિસેમ્બર, મંગળવારના દિવસે છે. માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ઘણા દુર્લભ સંયોગ રચાવા જઇ રહ્યાં છે, જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે.
માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે રચાશે આ વિશેષ સંયોગ
આ વખતે માર્ગશીર્ષ માસની પૂર્ણિમા પર ઘણા અદ્ભૂત સંયોગ રચાવા જઇ રહ્યાં છે. માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે શુક્લ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્લ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વખતે આ પૂર્ણિમા ઘણી રીતે ખાસ છે. આ ઉપરાંત આ દિવસે બ્રહ્મ યોગ અને ભદ્રાવાસ યોગનું પણ નિર્માણ થઇ રહ્યું છે. માન્યતા છે કે આ શુભ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. પૂર્ણિમા તિથિ 26 ડિસેમ્બરે સવારે 05 વાગીને 46 મિનિટથી શરૂ થઇને 27 ડિસેમ્બરે સવારે 06 વાગીને 02 મિનિટે સમાપ્ત થશે.
માર્ગશીર્ષ પૂર્ણિમાની પૂજા વિધિ
આ દિવસે વહેલા ઉઠો, સ્નાન કરો અને ઘરની સફાઇ કરો. આ દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવો અને ઘરની સામે રંગોળી બનાવો. પૂજા સ્થાન પર ગંગાજળનો છંટકાવ કરો અને શક્ય હોય તો ગાયનું છાણ લગાવો. તુલસીને જળ અર્પણ કરો. ગંગાજળ અને કાચું દૂધ મિક્સ કરીને ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીને અર્પણ કરો. આ પછી ભગવાનને અબીર, ગુલાલ, ચંદન, અક્ષત, ફૂલ, નાડાછડી, તુલસીના પાન ચઢાવો. સત્યનારાયણની કથા વાંચો અને પૂજામાં સામેલ તમામ વડીલો પાસેથી આશીર્વાદ લો અને દરેકને પ્રસાદ આપો.
માર્ગશીર્ષ પૂર્ણિમાનું મહત્ત્વ
માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન નારાયમની પૂજા કરવામાં આવે છે. તેથી સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ લેવો જોઇએ. માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. આ દિવસે તુલસીના મૂળની માટીથી પવિત્ર નદી, સરોવર કે કુંડમાં સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા દાનનું ફળ અન્ય પૂર્ણિમાની તુલનામાં 32 ગણુ વધુ મળે છે. આ જ કારણ છે કે આ પૂર્ણિમાને બત્રીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.
માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરવી ખૂબ જ ફળદાયી હોય છે. આ દિવસે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન અને દાન-દક્ષિણા આપવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂરી કરે છે. આ દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરવાથી ઘરમાં ખુશહાલી આવે છે.
માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે આ ભૂલો ન કરો
- આ દિવસે સવારે વહેલા ઉઠો અને સૂર્યોદય પહેલા સ્નાન કરો.
- કોઈ પવિત્ર સ્થાન પર જાઓ અને સ્નાન કરો.
- આ દિવસે ઉપવાસ અત્યંત ભક્તિ, સ્વચ્છતા અને શ્રદ્ધા સાથે કરવો જોઈએ.
- ડુંગળી, લસણ, માંસ, માછલી, આલ્કોહોલ વગેરે જેવી વસ્તુઓથી દૂર રહો.
- જો તમે ઉપવાસ કરી રહ્યા છો, તો બપોરના સમયે ઊંઘશો નહીં.
- પૂજા દરમિયાન ભગવાનને ચુરમા અર્પણ કરો.
- યોગ્ય બ્રાહ્મણને ભોજન અને જરૂરી વસ્તુઓનું દાન કરો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)